



હવામાન સતત બદલાતું રહે છે. ઉત્તર ભારતમાં ઠંડી ફરી એકવાર દસ્તક આપી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. જેની અસર ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા રાજ્યોમાં જોવા મળશે અને તાપમાનમાં ઘટાડો જોવા મળશે. હવામાન વિભાગ (IMD) અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફ બદલાશે.
જેના કારણે પશ્ચિમ યુપી, પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશના ઘણા ભાગોમાં તાપમાન ઘટી શકે છે.
IMDએ ચેતવણી આપી છે કે દિલ્હી અને રાજસ્થાનમાં આગામી કેટલાક દિવસો સુધી સપાટી પરના પવનો ચાલુ રહેશે. શનિવારે દિલ્હીમાં તાપમાનનો પારો 27.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. હવામાન વિભાગે જણાવ્યું હતું કે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ચાર ડિગ્રી વધુ હતું. હવામાન વિભાગે રવિવારે જોરદાર અને ઠંડા પવનની આગાહી કરી છે. આવતીકાલે રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 24 ડિગ્રી સેલ્સિયસ અને 11 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.
હવામાન વિભાગના અપડેટ મુજબ આ રાજ્યોમાં લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટમાં આવી શકે છે. પરંતુ આ ઘટાડો લાંબો સમય ચાલશે નહીં. 14 ફેબ્રુઆરી બાદ ફરી એકવાર તાપમાન વધવા લાગશે. IMDએ કહ્યું કે ઉત્તર પશ્ચિમ ભારતના કોઈપણ ભાગમાં શીત લહેર ફરી આવવાની કોઈ શક્યતા નથી.