



પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમની તડામાર તૈયારી ચાલી રહી છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ પુરી થયા પછી હવે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓ માટેનું કાઉનડાઉન શરૂ થયું છે. ત્યારે અમદાવાદ GMDC ગ્રાઉન્ડમાં પીએમ મોદીના કાર્યક્રમની તૈયારી આરંભી દેવામાં આવી છે, એટલું જ નહીં સ્ટેજ અને ડોમ બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.ગુજરાતમાં ચૂંટણીઓની મોસમ ખીલવાની છે, ત્યારે ભાજપે તેની તૈયારીઓ આમ તો ક્યારની પણ શરૂ કરી દીધી છે. ભાજપ ફરીથી સત્તા મેળવવા માટે કમર કસી રહ્યું છે. જેનો શંખનાદ 11મી માર્ચે પીએમ નરેન્દ્ર મોદીના વિરાટ પ્રદર્શન સાથે ફૂંકવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં ભાજપના જનપ્રતિનિધિઓ હાજર રહેવાના છે. અહીં કાર્યક્રમમાં પીએમ મોદી ભાજપના કાર્યકરોને ચૂંટણી અંગે ગુરુમંત્ર આપશે. બીજી બાજુ શહેરની વચ્ચોવચ GMDC ખાતે ભવ્ય કાર્યક્રમની તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 150 બેઠકો માટેનું ગણિત બનાવીને રાખ્યું છે. તેના માટે અત્યારથી માસ્ટરપ્લાન બનાવવાનું શરૂ થઈ ગયું છે. જાણવા મળી રહ્યું છે કે અમદાવાદમાં યોજાનારા કાર્યક્રમમાં પંચાયતથી લઈ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા દોઢ લાખથી વધારે જન પ્રતિનિધિઓને આમંત્રિત કરવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, જાણવા એવું પણ મળી રહ્યું છે કે યુપીની ચૂંટણીમાં ભાજપનો વિજયોત્સવ ઉજવવાની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે.