



ઉત્તર અને ઉત્તર-પશ્ચિમના નવ પ્રાંતમાં સતત પાંચ દિવસથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ કારણસર ચીન સરકારે અહીં સેંકડો ફ્લાઈટ રદ કરી દીધી છે.
બાળકોની સુરક્ષા માટે સ્કૂલો અનિશ્ચિત મુદત સુધી બંધ કરી દેવાઈ છે અને લોકોને પણ બહુ જરૂરી ના હોય ત્યાં સુધી ઘરમાંથી બહાર નહીં નીકળવાની અપીલ કરાઈ છે. જોકે, અહીં કેટલા નવા કેસ નોંધાઈ રહ્યા છે તે અંગે ચોક્કસ માહિતી જાહેર કરાઈ નથી.
કોરોનાને કાબૂમાં લેવા ચીને હંમેશા ઝીરો કોવિડ નીતિનું કડકાઈથી પાલન કર્યું છે. આ કારણસર તેણે સરહદો પર પણ અત્યંત કડક નિયમો લાગુ કર્યા હતા. હવે સ્થાનિક ઓથોરિટીઓએ ફરી એકવાર આવા પ્રતિબંધો લાગુ કરીને મોટા પાયે ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. સિયાન અને લાન્સુની 60 ફ્લાઈટ રદ કરી દીધી છે. 40 લાખની વસતી ધરાવતું લાન્સુ શહેર ગાન્સુ પ્રાંતની રાજધાની છે.
ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટોના અહેવાલ પ્રમાણે આ સિવાય ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ ચીનનાં શહેરોને જોડતી અનેક ફ્લાઈટો રદ કરાઈ છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી સ્કૂલો તેમજ મનોરંજન, પ્રવાસન સ્થળો પણ બંધ કરી દેવાયાં છે.
ગાન્સુ પ્રાંતના અનેક વિસ્તારોમાં લોકોને કામ સિવાય બહાર નહીં નીકળવાની પણ સૂચના અપાઈ છે. આ ઉપરાંત અનેક રહેણાક વિસ્તારોમાં સ્થાનિક તંત્રે લૉકડાઉન લગાવી દીધું છે.
(*સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Corona cases on the rise in China for five days: The system imposed a lockdown