



ઉત્તરાખંડમાં ત્રણ દિવસથી પડી રહેલા અવિરત વરસાદે હાહાકાર મચાવ્યો છે અને રાજ્ય સરકારના ડેટા અનુસાર, વિવિધ જિલ્લાઓમાં આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 54 લોકોએ જીવ ગુમાવ્યા છે. પ્રકૃતિના આ પાયમાલમાં 19 લોકો ઘાયલ થયા છે અને 5 હજૂ પણ લાપતા છે.
રાહત અને બચાવ કાર્ય માટે NDRF અને SDRF સાથે આર્મીની ટીમ પણ બોલાવવામાં આવી હતી. તે જ સમયે ગુરુવારના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ઉત્તરાખંડ પહોંચ્યા અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની હવાઈ મુલાકાત લીધી હતી.ઉત્તરાખંડ સરકારના રિપોર્ટ મુજબ વરસાદ અને પૂરને કારણે કુલ 54 મૃત્યુમાંથી નૈનીતાલ જિલ્લામાં સૌથી વધુ 28 મોત થયા છે. જે બાદ ચંપાવતમાં 8 અને અલમોડામાં 6 લોકોએ જીવ ગુમાવ્યા છે.
રાજ્ય સરકારે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે ઉત્તરાખંડના કુમાઉ વિસ્તારમાં આવેલા પૂરમાં 17 ઓક્ટોબરે પ્રથમ મૃત્યુ નોંધાયું હતું, ત્યારબાદ 18 ઓક્ટોબરે આઠ અને 19 ઓક્ટોબરે 35 લોકોના મોત થયા હતા.
આમાંના મોટાભાગના મૃત્યુ વરસાદને કારણે મકાન તૂટી પડવાના બનાવોને કારણે થયા છે. વરસાદને કારણે છત્રીસ મકાનોને નુકસાન થયું છે. રાજ્યમાં પૂર અને વરસાદથી પ્રભાવિત વિવિધ વિસ્તારોમાંથી લગભગ 1300 લોકોને બચાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, NDRF ની 17 ટીમ રાહત અને બચાવ કાર્ય માટે સમગ્ર ઉત્તરાખંડમાં ઉતારી દેવામાં આવી હતી. જો કે, બુધવારે હવામાનમાં થોડો સુધારો થયો હતો અને રાજ્ય સરકારે ફસાયેલા યાત્રાળુઓને કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીની મુલાકાત લેવાની મંજૂરી આપી હતી.
જે બાદ ગુરુવારના રોજ બદ્રીનાથ ધામ માટે નાના અને હળવા વાહનો માટે રસ્તાઓ પણ ખોલવામાં આવ્યા છે. નૈનીતાલથી રામગઢ અને મુક્તેશ્વર સુધીનો રસ્તો પણ હવે ખોલવામાં આવ્યો છે.
#ઉત્તરાખંડમાં વરસાદે તબાહી મચાવી : 54 લોકોના મોત