



કોંગ્રેસમાં હું જ ફુલટાઈમ અધ્યક્ષ છું અને મારી સાથે મીડિયા મારફત વાત કરવાની કોઈ જરૂર નથી તેમ સોનિયા ગાંધીએ શનિવારે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં અસંતુષ્ટ જી-૨૩ નેતાઓને સ્પષ્ટ સંભળાવી દીધું હતું. આ સાથે સોનિયા ગાંધીએ પક્ષમાં ચૂંટાયેલા પ્રમુખની ગેરહાજરી અને નેતૃત્વની અછતનો મુદ્દો ઉઠાવનારા જી-૨૩ નેતાઓને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે પક્ષમાં તેમનું જ વર્ચસ્વ રહેશે. જોકે, એક અહેવાલ મુજબ રાહુલ ગાંધી વર્ષ ૨૦૨૨માં ફરીથી કોંગ્રેસ પ્રમુખ બને તેવી શક્યતા છે.
કોંગ્રેસની નિર્ણયો લેનારી સર્વોચ્ચ સંસ્થા કાર્યકારી સમિતિની બેઠક દરમિયાન સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, માત્ર એકતા, સ્વ-નિયંત્રણ, શિસ્ત અને પક્ષના હિતોને જ સૌથી વધુ મહત્વ આપીને જ દેશમાં પક્ષને પુનર્જિવિત કરી શકાશે. મીડિયામાં પક્ષની ટીકા કરનારા જી-૨૩ નેતાઓને ઠપકો આપતાં કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે, નિખાલસતા અને પ્રમાણિક્તાને તેમણે હંમેશા આવકારી છે અને મારી સાથે મીડિયા મારફત વાત કરવાની કોઈ જરૂર નથી.
કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકની શરૂઆતમાં સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, આપણે મુક્ત અને પ્રમાણિક ચર્ચા કરીએ, પરંતુ આ રૂમની ચાર દિવાલોની બહાર એક જ સંદેશ જવો જોઈએ કે જે પણ નિર્ણય લેવાય છે તે કાર્યકારી સમિતિનો સામુહિક નિર્ણય છે. કોંગ્રેસ નેતા કપિલ સિબલે તાજેતરમાં કહ્યું હતું કે, પક્ષમાં કોઈ પ્રમુખ નથી ત્યારે નિર્ણયો કોણ લે છે તે કોઈ જાણતું નથી. તેમની આ ટીપ્પણીના જવાબમાં સોનિયાએ આ નિવેદન કર્યું હતું.
જી-૨૩ નેતાઓમાંથી ગુલામ નબી આઝાદ અને કપિલ સિબલ બંનેએ ગયા વર્ષે પક્ષમાં વ્યાપક સ્તરે ફેરફારની માગણી કરી હતી. તેમણે તાજેતરના પક્ષ પલટાઓના પગલે પક્ષની સ્થિતિ અંગે ચર્ચા કરવા વહેલી તકે કાર્યકારી સમિતિની બેઠક બોલાવવાની પણ માગણી કરી હતી. કાર્યકારી બેઠકમાં સોનિયા ગાંધીએ કારોબારી સમિતિ સમક્ષ પક્ષના સંગઠનમાં ચૂંટણીનો કાર્યક્રમ પણ રજૂ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ સપ્ટેમ્બર ૨૦૨૨માં કોંગ્રેસ પ્રમુખપદે ચૂંટણી યોજાઈ શકે છે.
૭૪ વર્ષીય સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં પક્ષની નીતિઓ અને લોકો સાથેના કાર્યક્રમોમાં યુવાનોએ નેતૃત્વની ભૂમિકા ભજવી છે. આગામી વિધાનસભા ચૂંટણીઓના સંદર્ભમાં કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે, પક્ષે થોડાક સમય પહેલાંથી જ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમણે ઉમેર્યું કે આપણે એક થઈને, શિસ્તબદ્ધ રીતે અને પક્ષના હિતોને જ ધ્યાનમાં રાખીને કામ કરીશું તો મને વિશ્વાસ છે કે આપણે સારો દેખાવ કરીશું. કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠકમાં સોનિયા ગાંધીએ લખીમપુર હિંસા, જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓના અચાનક વધેલા હુમલા સહિતના મુદ્દાઓ અંગે પણ વાત કરી હતી. દરમિયાન કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એક વખત કોંગ્રેસનું સુકાન સંભાળે તેવી શક્યતા છે. કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠકમાં આ અંગે સંકેતો અપાયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ વરિષ્ઠ નેતાઓ દ્વારા પક્ષનું નેતૃત્વ કરવા અંગે કહેવામાં આવતા રાહુલ ગાંધીએ આ અંગે વિચાર કરવાનું જણાવ્યું હતું.
(*સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#I am the full time president in the #Congress: #Sonia Gandhi