



મોંઘવારીએ સામાન્ય માણસની સમસ્યાઓમાં ઘણો વધારો કર્યો છે. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તહેવારોની સિઝનમાં સામાન્ય લોકોને રાહત આપવા માટે એક મોટું પગલું ભર્યું છે.
ગ્રાહક બાબતોના મંત્રાલયે તેલ અને તેલીબિયાં પર સ્ટોક મર્યાદા લાદવાનો આદેશ જાહેર કર્યો
સરકારે પામ અને સન ફ્લાવર ઓઇલ પર એગ્રી સેસ અને કસ્ટમ ડ્યુટી ઘટાડી છે. આ અગાઉ ગ્રાહક બાબતોના મંત્રાલયે તેલ અને તેલીબિયાં પર સ્ટોક મર્યાદા લાદવાનો આદેશ જાહેર કર્યો હતો. સ્ટોક મર્યાદા 31 માર્ચ, 2022 સુધી લાગુ રહેશે. રાજ્યોને આદેશો જાહેર કરવા અને તેનું ચુસ્તપણે પાલન કરવા કહેવામાં આવ્યું છે.
આયાત ડ્યૂટીમાં ઘટાડો
સરકારના આ નિર્ણય અનુસાર ક્રૂડ પામ ઓઇલ પર ડ્યુટી 8.25 ટકા (અગાઉ 24.75 ટકા), RBD પામોલીન 19.25 ટકા (અગાઉ 35.75 ટકા), RBD પામ ઓઇલ પર 19.25 ટકા (અગાઉ 35.75), ક્રૂડ સોયા ઓઇલ પર 5.5 (અગાઉ 24.75), સોયા તેલ પર 19.5 ટકા (અગાઉ 35.75 ટકા), ક્રૂડ સૂર્યમુખી તેલ પર 5.5 ટકા (અગાઉ 24.75 ટકા) અને શુદ્ધ સૂર્યમુખી તેલ પર 19.25 ટકા (અગાઉ 35.75 ટકા) ડ્યુટી ઘટાડી દેવામાં આવી છે. ડ્યુટીમાં ઘટાડાને કારણે સીપીઓના ભાવમાં રૂપિયા 14,114.27, આરબીડી રૂપિયા 14526.45, સોયા ઓઇલ રૂપિયા 19351.95 પ્રતિ ટન ઘટ્યા છે. સરકારના આ નિર્ણય બાદ ખાદ્ય તેલમાં 15 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે.
ક્યારથી અમલમાં આવશે આ નિર્ણય
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, ડ્યૂટીમાં ઘટાડો 14 ઓક્ટોબરથી લાગુ થશે અને 31 માર્ચ, 2022 સુધી લાગુ રહેશે.
ગત મહિને પણ કર્યો હતો આયાત ડ્યૂટીમાં ઘટાડો
ઉલ્લેખનીય છે કે, ગત મહિને 11 સપ્ટેમ્બરના રોજ પામ તેલ, સોયા તેલ અને સૂર્યમુખીના તેલ પરની કસ્ટમ ડ્યૂટી ઘટાડી દેવામાં આવી હતી, જ્યારે ક્રૂડ પામ ઓઇલ પર મૂળભૂત આયાત ડ્યૂટી 10 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરવામાં આવી હતી. આ સાથે ક્રૂડ સોયા તેલ અને ક્રૂડ સૂર્યમુખીના તેલ પરની આયાત ડ્યૂટી પણ 7.5 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરવામાં આવી હતી.
કેન્દ્રના નિર્ણયથી સ્થાનિક બજારમાં ખાદ્યતેલોના ભાવમાં નરમાશ આવશે
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Government reduces #tax on #edible oil: Rs 15 may be reduced