



શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સતત સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં આતંકીઓએ ઘાટીમાં 7 લોકોને નિશાન બનાવ્યા છે. ગુરુવારે આતંકીઓએ ઇદગાહ વિસ્તારમાં આવેલી એક શાળામાં ફાયરિંગ કરી હતી. જમ્મુ -કાશ્મીર પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, હુમલામાં બે શિક્ષકોના મૃત્યુ નીપજ્યાં છે.મળતી માહિતી અનુસાર, ગુરુવારે સવારે 11 વાગ્યે કેટલાક આતંકીઓએ ઇદગાહના સંગમ વિસ્તારમાં આવેલી સરકારી બોયઝ સ્કૂલમાં કેટલાક આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જેમાં શાળાના આચાર્ય સુપિન્દર કૌર અને શિક્ષક દીપક ચંદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બંનેનું મૃત્યુ નીપજ્યું છે. હાલ સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
ઓમર અબ્દુલ્લાએ દુઃખ વ્યક્ત કર્યું
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ આતંકવાદી ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું કે, ‘શ્રીનગરથી વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. આ વખતે ઇદગાહ વિસ્તારમાં આવેલી સરકારી શાળાના બે શિક્ષકોની હત્યા કરવામાં આવી છે. આતંકના આ અમાનવીય કૃત્ય માટે નિંદાના શબ્દો પૂરતા નથી પરંતુ હું મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું.’
આ વર્ષે અત્યાર સુધીમાં 25 સામાન્ય નાગરિકોની હત્યા
આજની ઘટના સહિત આતંકવાદીઓએ આ વર્ષે 25 નિર્દોષ નાગરિકોની હત્યા કરી છે. તેમાંથી ત્રણ વિદેશી નાગરિકો હતા. સૌથી વધુ 10 હત્યાઓ આતંકીઓએ શ્રીનગરમાં કરી છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Terrorist attack: Terrorists rained bullets on a school in Srinagar