



હૃદયના સ્વાસ્થ્ય પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૨૯ સપ્ટેમ્બરને વિશ્વ હૃદય દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ ધરતી પર આપણાં પ્રથમ શ્વાસથી શરૂ થયેલી જિંદગીની સફરમાં આપણું હૃદય પણ એટલા જ સાતત્ય સાથે આપણો સાથ નિભાવી રહ્યું છે. જીવનના અંતિમ શ્વાસ સુધી ધબકતું રહેતું આપણું હૃદય, કુદરતે આપણાં શરીરમાં ગોઠવેલી એવી સંરચના છે, જે જીવન પર્યન્ત આપણા શરીરમાં રક્તભ્રમણની લાખો જોજનની
સફર અવિરત કરતુ રહે છે.
આજના સમયમાં દોડધામભરી જીવનશૈલી અને ભોજનની અણઘડ આદતોને કારણે નાની ઉંમરથી લઇને વૃદ્ધો સુધીના લોકો હૃદયરોગથી પીડાતા જોવા મળે છે. હૃદયની બિમારી ધરાવતા લોકોને
બ્રેઈનડેડ વ્યક્તિના હૃદયના દાનથી નવજીવન પ્રાપ્ત થાય છે, ત્યારે પશ્ચિમ ભારતમાં ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી સૌપ્રથમ વખત આંતરરાજ્ય હૃદયદાન કરાવાનું શ્રેય ગુજરાત, સુરતને ફાળે જાય છે. ગુજરાતમાં સૌથી વધુ ૩૬ હૃદયના દાન એકલા સુરત શહેરમાંથી થયા છે.
વિગતવાર જોઈએ તો, ગુજરાતમાંથી ૨૦૧૫ થી આજ સુધીમાં થયેલાં કુલ ૪૭ હ્રદયદાનમાં અમદાવાદમાંથી ૬, ભાવનગરમાંથી ૧, જામનગરમાંથી ૧, રાજકોટમાંથી ૧, વડોદરામાંથી ૨ જ્યારે માત્ર સુરતમાંથી જ ૩૬ હ્રદયદાન થયાં છે. જેમાં સુરતમાં વર્ષ ૨૦૧૭માં સૌથી વધુ ૯ તેમજ વર્ષ ૨૦૨૧માં આજ સુધી ૬ હ્રદયદાન થઈ ચૂક્યા છે.
કોઈ વ્યક્તિને હૃદયની બિમારીને કારણે તેના હૃદયનું પમ્પીંગ ૧૦ કે ૧૫ ટકા જેટલું થઇ જતા, પાંચ ડગલા ચાલતા તેનો શ્વાસ ફૂલવા માંડે છે, ખાવા-પીવામાં મર્યાદા આવે છે, પોતાનું જીવન પથારી ઉપર જ વ્યતિત કરવું પડે છે. આવા હૃદય નિષ્ફળતાના દર્દીઓ માટે હાર્ટ ટ્રાન્સ્પ્લાન્ટ જ એકમાત્ર ઈલાજ છે.
સુરતમાંથી ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા કરાયેલા ૩૬ હૃદયદાન પૈકી મુંબઈમાં ૨૨, અમદાવાદમાં ૭, ચેન્નાઈમાં ૫, ઇન્દોરમાં ૧ અને ૧ હૃદય નવી દિલ્હી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#September 6: World Heart Day