



તાજેતરમાં પડેલા વરસાદ બાદ શહેરમાં ઠેર-ઠેર ખાડાનું સામ્રાજ્ય છવાયું છે. જેને લઈને લોકો સહિત વિપક્ષ પણ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે. અનેક રજૂઆતો છતાં ખાડાઓ નહીં બુરાતા શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર સહિતનાં આગેવાનો અને કાર્યકરોએ પાવડા-તગારા ઉપાડી ખાડા બુર્યા હતા. આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખે મેયરને અધિકારીઓ પાસેથી કઈ રીતે કામ લેવું તેની સલાહ પણ આપતા રાજકારણ ગરમાયુ છે.
રાજકોટ શહેરમા પડેલ ખાડા મામલે વિરોધ પક્ષના નેતા દ્વારા મુખ્યમંત્રીને પણ રજુઆત કરવામા આવી હોવાનુ જાણવા મળ્યુ છે. બીજીતરફ સમગ્ર મામલે રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા દ્વારા જણાવવામા આવ્યુ હતુ કે, વધુ વરસાદના કારણે રોડ રસ્તાની હાલાત બિસ્માર છે. હાલ, કપચી નાંખી તેમજ પેવર બ્લોક નાંખીને ખાડાઓ પુરવામા આવી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમા વરસાદની સીઝન પુર્ણ થતા રોડ રસ્તાના સરફેસીંગના કામો શરુ કરવામા આવશે. સાથે જ શહેરનાં રાજમાર્ગોની મરામત માટે નેશનલ હાઈવે ઓથોરીટીને રજૂઆત કરવામાં આવી હોવાનું પણ તેમણે કહ્યું હતું.
બીજીતરફ વિપક્ષ નેતા ભાનુબેન સોરાણીએ સમગ્ર મામલે ભાજપનાં સતાધીશોની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. અને જણાવ્યું હતું કે, રસ્તાઓ ઉપર ખાડાને લઈને છેક મુખ્યમંત્રી સુધી રજુઆત કરવામાં આવી ચૂકી છે. પરંતુ વરસાદ રહી ગયાનાં દસેક દિવસ વીત્યા છતાં કોઈપણ કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી. તો શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે જણાવ્યું હતું કે, રાજકોટ ખાડાનગરી બની ચૂક્યું છે. જેને લઈને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. શહેરનાં મેયરે અધિકારીઓનો કલાસ લેવો જોઈએ. તેમજ આ તૂટેલા રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરાવવું જરૂરી છે
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Rajkot: Ther-Ther pit kingdom in the city