



( સ્વાતિ પાવાગઢી-રાજકોટ)
સ્ત્રી સશક્તિકરણ : શું ખરેખર સ્ત્રી અને પુરૂષો આજે સમાન છે? આજનાં સમયની નારી ઘણું ખરું કરી શકવા સક્ષમ છે. સમયની જરૂરીયાત મુજબ સ્ત્રી તો હોશીયાર થઈ, નાની વયે શિક્ષિત થઈ ઘરનો કારભાર સંભાળતી થઈ. નોકરી, વ્યવસાય કરી જરૂરીયાત મુજબના નાંણા ઉભા કરતી થઈ. સાથોસાથ ઘર પરીવારની સમયસર દેખભાળ લેવી અને દરેક ની જરૂરીયાત સમય મુજબ સાચવવી સ્ત્રી પર છે. જો સ્ત્રી ઘર પરીવારને પોતાનું સમજી દરેક કામમાં મદદરૂપ થઈ શક્તી હોય. તો પુરૂષોને પણ ઘરનાં અમુક કામોમાં સ્ત્રીને મદદ કરવામાં નાનપ ન અનુભવવી જોઈએ. નોકરીયાત સ્ત્રીને કામના સ્થાને પણ પરીવાર અને બાળકોની ચિંતા રહ્યા કરતી હોય છે. ને કામ પરથી પાછા આવતા એ પોતાના માટે આરામનો થોડો સમય પણ નથી કાઢી શક્તી. આવી ને સીધી રસોઈ બનાવા વળગે છે. એની ત્યાં મદદ કરનાર કોણ છે? ઓફિસના કામમાં મગજ ચલાવી સમયસર ઘરે જઈ આજ ભોજનમાં શું બનાવું? પૌષ્ટિક આહાર જે બાળકોના વિકાસ માટે જરૂરી.સાથે બાળકોના અભ્યાસ અંગેની ચિંતા? સમાજ સ્ત્રીને બધુ શીખવવામાં કદાચ પુરૂષોને ઘણું શીખવતા ભૂલી ગયો. સ્ત્રી ને પરૂષ સમુવડું થવું જોઈએ તો શું પુરૂષ સ્ત્રીને કામકાજમાં સહયોગ ન કરી શકે? સ્ત્રીની તબિયત ઠીક ન હોય ત્યારે એમ ન કહીં શકે આજ તું આરામ કરી લે હું સંભાળી લઈશ. સ્ત્રી તો સમય મુજબ હોશીયાર થઈ ગઈ છે. એકલા પણ ઘર પરીવાર સંભાળી શકવા સક્ષમ છે પણ પુરૂષ એક્લો ઉણો ઉતરે છે. તેને જાતે રસોઈ નથી આવડતી. બાળકો સંભાળતા મનાવતા ઓછૂ આવડે છે. ઘરના અન્ય કામો એને નથી ફાવતા પણ હા એ કામવાળી કામ માટે રાખી શકે છે. સ્ત્રી-પુરૂષ આમ તો એક સિક્કાની બે બાજૂ છે. બન્ને સમજૂ હોય તો જ ઘર પરીવાર સારી રીતે ચાલી શકે. પણ આજે મોટા ભાગે ઘણા યુવાઓ ને એક એવી યુવતી પત્ની તરીકે જોઈએ છે જે ભણેલી તો હોય જ સાથે સમય
મુજબ સારૂ એવું કમાતી હોય. સ્ત્રી દરેક જગ્યાએ કેટ- કેટલું સહન કરતી હોય છે, એ એજ જાણતી હોય છે. છતાં એને સમજનાર ખૂબ ઓછા મળે છે. હવે એવો પણ સમય આવાનો છે કે છોકરીઓ પણ સામે પુછશે કે જો તમે ઈચ્છતા હો હું કમાઉ તો તમને ઘરના કેટલા અને કયા-ક્યા કામ આવડે છે એ પણ જણાવું પડશે. ને સાથે મદદ પણ કરવી પડશે. કેમ આજે પણ નારી ને અટલી યાતનાઓ સહવી પડે છે. જે દેશમાં સ્ત્રી સશક્તિકરણ વાતો થાય છે. ખામી ક્યાં છે? સમાન અધિકારોની વાત સમાજમાં ચાલે છે પણ આ ખરેખર મળે છે ખરો? દરેક ઘર પરિવારમાં દિકરી અને દિકરાના જન્મથી જ જોવા મળતો તફાવત જલેબી અને પેંડા વડે દર્શાવાતો. અત્યારે એ ઓછુ જોવા મળે છે પણ બીજી અનેક વાતો એવી છે. જે સ્પષ્ટ આ ભેદ આપણે જોય શકીએ છીએ.
આ સમય સાથે બદલતો સમાજ એક નારી પાસે કેટ-કેટલું ઈચ્છે છે એની યાદી ખૂબ લાંબી બનશે. તેના અભ્યાસની શરૂઆત થાય છે ત્યારથી ઘરના નાના-મોટા કામમાં મદદ કરવાનું શીખવવામાં આવે છે. દરેક પળે એક દિકરી છો પારકે ઘરે જવાનું છે બધુ આવડવું જોઈએ એનો અહેસાસ ત્યારથી થઈ ચૂક્યો હોય છે. જ્યારે ઢીંગલીથી ઘર-ઘર રમવાની શરૂઆત થઈ હોય છે. પણ એવું કેમ કેહવામાં કે સમજાવામાં નથી આવતું કે તું એક શારદા, લક્ષ્મી ને શક્તિ પણ છો. તારે સંસારમાં સમાજના કોઈ ખોટા પ્રહારો સહન નથી કરવાના. કઈ દેવી શક્તિ પાસેથી શું શીખવાનું છે એ પણ સમજ આપવી. આજે વિદ્યા પ્રાપ્તિની શરૂઆત થઈ રહી છે જે દેવી શારદા છે. જે તને કલામાં નીપૂણ બનાવશે જેમાં. જેમાં, લેખન-વાંચન, વાણી, ચિત્ર, ગીત-સંગીત, સાંસ્કૃતિક નૃત્ય જેવી કલાઓનો સમાવેશ થાય છે. દેવી લક્ષ્મી જે આ સૃષ્ટિ પરનું ધન- વૈભવ છે. જેમાં કુદરતી સંપતિનો સમાવેશ થાય છે. દેવી શક્તિ જે શક્તિનો પરીચય આપે છે પાપી અને દૂષ્ટ દૂરાચારી સમક્ષ લડીને. એ અન્ન્પૂર્ણા પણ છે જે અન્નના ભંડાર અખૂટ રાખે છે. ક્યારે કઈ શક્તિ જાગ્રત કરવી એ તને આત્મરક્ષા માટે આવડવું જરૂરી. આ સમાજમાં સારા લોકો મળશે સામે એટલા દૂષ્ટ પણ મળશે જે સારા હોવાનો ડોળ માત્ર કરી હાની પોહચાડશે. માટે સત્ય-અસત્ય સમજી વ્યક્તિની ઓળખ નિશ્ચીત સમયે તને થવી જોઈએ. ને એ મુજબ જે નિર્ણય યોગ્ય લાગે તે તાત્કાલિક ધોરણે લઈ પ્રહાર કરતા ન અચકાવું. નહિંતર આ દૂષ્ટો તારા પર ઘાતકી સાબીત થશે. કઈ કલા ક્યા સ્થાને ઉપયોગમાં આવશે એ ચોક્ક્સ યાદ રહેવું જોઈએ જે સમય મુજબનું હથીયાર છે. જીવનમાં ઘણું ખરું યોગ્ય વાણી-વર્તનથી મળે છે. પણ કંઈ મેળવવા કોઈનું અયોગ્ય વર્તન સહવાની જરૂર નથી. ઈચ્છા, આવડત, આત્મવિશ્વાસ , સાહસ અને સ્વમાન આ પૂરતા છે દ્રઢ નિશ્ચય સાથે કંઈ મેળવવા.
આપણા ધર્મ શાસ્ત્રોમાં જ ઘણું છે માત્ર જાણીને આચરણમાં લાવવાનું છે. પણ અફસોસ આપણી પાસે એને વાચવાનો સમય નથી એનું પુરતું જ્ઞાન નથી. ને આપણે જ્યાં શિક્ષિત થવા જઈએ છીએ ત્યાં આવુ કંઈ જ શીખવવામાં નથી આવતું. સામાન્ય એક પાઠ કે કવિતા કોઈ શિક્ષક ક્લાસમાં વાંચી સમજાવી દે છે. પણ એમાંથી જીવનમાં શું શીખવાનું છે ક્યારે કઈ રીતે કામ આવી શકે એ ઉંડાણ પૂર્વક સમજાવવામાં શિક્ષકો ઉણા ઉતરે છે. ઘણી વખત વિદ્યાર્થીઓને ખબર નથી હોતી કે આ જીવનમાં ઉપયોગી કઈ રીતે નીવડે છે એનું મહત્વ માત્ર પાસ થવા પૂરતું જ સમજે છે. જીવનમાં જેનો ઉપયોગ નથી તો એ ભણીને શું કામ છે?
આજની નારી કઈ રીતે જીવે છે એ સમજવાની તસ્દી ભાગ્યે જ કોઈએ લીધી હોય તો.. બસ તમામને પોત-પોતાના સ્વાર્થ દેખાય છે. પણ ક્ષણીક સુખો માટે કેટલુ ગુમાવ્યું કે બર્બાદ કર્યુ એ ઓછા જાણે છે.
#Female Empowerment: Are Women and Men Really Equal Today?