



ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા સહિતના રોગચાળાએ માથું ઉંચક્યું છે. એક સમય એવો હતો જ્યારે સિવિલમાં માત્ર કોરોના દર્દીઓના પરિવારજનો જ જોવા મળતા હતા. પરંતુ હવે ડેન્ગ્યુ, મેલેરિયા, તાવ-શરદી-ઉધરસ સહિતના રોગચાળાના દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ રહી છે. છેલ્લા એક અઠવાડિયામાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શરદી-ઉધરસના 923 અને ઝાડા-ઉલ્ટીના 307 કેસ નોંધાયા છે. સિવિલ હોસ્પિટલના જ બે તબીબ વિદ્યાર્થી ડેન્ગ્યુના ભરડામાં સપડાયા છે.
OPDમાં દર્દીઓની લાંબી કતારો લાગી
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો છે ત્યારે સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં OPDમાં દર્દીઓની લાંબી કતારો લાગી રહી છે. ઓગસ્ટ મહિનાની સરખામણીએ સપ્ટેમ્બર મહિનામાં ત્રણ ગણા કેસ વધ્યા છે. અત્યાર સુધીમાં કુલ 66 મેલેરિયાના કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના આ મહિનામાં અત્યાર સુધીમાં 7 કેસ નોંધાયા છે. બીજી તરફ સિવિલના ચોપડે ચિકનગુનિયાના માત્ર 6 કેસ નોંધાયા છે.
મેડિકલ કોલેજની હોસ્ટેલમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો
સિવિલની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતાં બે વિદ્યાર્થી ડેન્ગ્યુગ્રસ્ત બનતા કેમ્પસમાં જબરો ફફડાટ ફેલાઈ ગયો છે. આ બન્ને વિદ્યાર્થીને ડેન્ગ્યુ થયાનો ભાંડો આજે કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા ફોગિંગ બાદ ફૂટ્યો હતો. જામટાવર રોડ પર આવેલી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને રહેવા માટેની હોસ્ટેલમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોવાની ફરિયાદો મળતાં મહાપાલિકાની ટીમ ફોગિંગ કરવા માટે પહોંચી હતી.
હોસ્ટેલમાં ફોગિંગ કરવામાં આવ્યું
આખા બિલ્ડિંગમાં ફોગિંગ કર્યા બાદ ખુલાસો થયો હતો કે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતાં તેજસ સોલંકી અને તેની સાથે જ રહેતાં અન્ય એક વિદ્યાર્થીને ડેન્ગ્યુ થયો છે. આ અંગે મહાપાલિકાના અધિકારીએ જણાવ્યું કે, હોસ્ટેલમાં ડેન્ગ્યુનો રોગચાળો વકરી રહ્યો હોવાને કારણે ફોગિંગ કરવા માટે મહાપાલિકામાં કહેવાયું હતું. જેથી અમે ફોગિંગ કરવા કામગીરી હાથ ધરી છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Rajkot: Outbreaks including dengue, malaria, chikungunya raise their heads