



ત્રણસો કુપોષિત બાળકોને એક વર્ષ માટે દતક લીધાં
પ્રધાનમંત્રીના જન્મદિને પૂર્વ મુખ્યમંત્રી શ્રી રૂપાણીની હાજરીમાં સમારોહ યોજાયો
હરિપ્રસાદ સ્વામીજીનાં યુગકાર્યની સ્મૃતિમાં સેવાકાર્યોનું આયોજન : ત્યાગ સ્વામી
આત્મીય યુનિવર્સિટી, શ્રી એમ.એન્ડ એન. વિરાણી સાયન્સ કોલેજ અને આત્મીય સ્કૂલ્સ દ્વારા સુકન્યા સમૃધ્ધિ યોજના અંતર્ગત એક હજાર બસો સાત કન્યાઓનાં એકાઉન્ટ ખોલાવી આપવામાં આવ્યાં છે. પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવેલ આ દરેક એકાઉન્ટમાં પ્રારંભિક બેલેન્સ તરીકે ₹ ૨૫૦/- (બસો પચાસ) આ સંસ્થાઓ દ્વારા જમા કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજકોટ સ્થિત આંગણવાડીઓમાં આવતાં ત્રણસો સાત કુપોષિત બાળકોને એક વર્ષ માટે આત્મીય યુનિવર્સિટી દ્વારા દતક લેવામાં આવ્યાં છે. આ એક વર્ષ દરમિયાન બાળકોને પોષણક્ષમ આહાર પૂરો પાડવામાં આવશે.
યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં યુગકાર્યનાં સુવર્ણજયંતિ વર્ષ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં આ બન્ને યોજનાઓના લાભાર્થીઓને પ્રતિકાત્મક પાસબુક અને પોષણક્ષમ આહારની કીટ અર્પણ કરવામાં આવી હતી.
પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનાં મુખ્ય મહેમાનપદે આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સંબોધન કરતાં શ્રી રૂપાણીએ શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ સામાજિક ઉતરદાયિત્વ નિભાવે તો સમાજનાં છેવાડાના માનવીને સુખનો અનુભવ થઈ શકે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘બેટી બચાઓ, બેટી ભણાવો’ અભિયાનનો શુભારંભ કરાવ્યો. સાથેસાથે બાલિકાઓ પુખ્તવયની થાય ત્યાં સુધીમાં તેની શૈક્ષણિક અને સામાજિક જરૂરિયાતો માટે પગભર બની શકે તે માટે સુકન્યા સમૃધ્ધિ યોજના શરૂ કરી. તેને પરિણામે તમામ સ્તર અને ક્ષેત્રના વધુ લોકો પોતાની પુત્રીના કલ્યાણ માટે લાગણીસભર બચત કરતાં થયાં છે. તે બહુ મોટી વાત છે. આવનારાં વર્ષોમાં આ યોજનાનાં શ્રેષ્ઠ પરિણામો જોવા મળશે. પરિવારમાં કન્યા રત્ન ધરાવતા લોકોને દીકરીનાં ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરવા આત્મીય પરિવારની શિક્ષણ સંસ્થાઓએ બારસોથી વધુ સુકન્યા સમૃધ્ધિ યોજનાના એકાઉન્ટ ખોલાવીને સામાજિક ઉતરદાયિત્વનું સુંદર ઉદાહરણ પુરૂં પાડયું છે.
રાજકોટ શહેરની આંગણવાડીઓમાં આવતાં બાળકો પૈકી ત્રણસો સાત બાળકોને પોષણક્ષમ આહાર પૂરો પાડવા માટે દતક લેવામાં આવ્યાં છે. શ્રી રૂપાણીએ કહ્યું હતું કે, કુપોષણ એ સામાજિક કલંક છે. ગુજરાત અને સમગ્ર દેશમાંથી આ કલંકને દૂર કરવા સરકાર અને સામાજિક-ધાર્મિક સંસ્થાઓએ સાથે મળીને કામ કરવું જરૂરી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આ બાબતને ધ્યાનમાં લઈને સ્વૈચ્છિક સંસ્થાઓને આહવાન કરતા હોય છે તેના પ્રતિસાદમાં આત્મીય પરિવારે ત્રણસો સાત બાળકોને પોષણક્ષમ આહાર માટે દતક લઈને પ્રશંસનીય કાર્ય કર્યું છે. તેમણે સમૃધ્ધ પરિવારોને પણ કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર મળે તે માટે આગળ આવવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે આશીર્વચન આપતાં આત્મીય યુનિવર્સિર્ટીના અધ્યક્ષ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ કહ્યું હતું કે, ગુરૂહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે વર્ષ ૧૯૭૧માં આત્મીયતા સભર સમાજનાં નિર્માણરૂપી યુગકાર્યની શરૂઆત કરી હતી. તેનું આ સુવર્ણજયંતી વર્ષ છે. તે અંતર્ગત યોગી ડિવાઇન સોસાયટી અને આત્મીય પરિવારની સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાકીય પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે. તે અંતર્ગત આ બન્ને યોજનાઓમાં યોગદાન આપવામાં આવી રહ્યું છે. સમાજના દરેક વર્ગ, ક્ષેત્ર અને સ્તરના લોકો આત્મીયતાથી જોડાય, એકબીજાનાં સુખદુ:ખનો વિચાર કરીને મદદરૂપ થાય તેવી હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જીવનભાવના હતી. આથી, સામાજિક સેવાકીય કાર્યોને તેઓશ્રી હંમેશાં પ્રાધાન્ય આપતા હતા.
આ બન્ને સેવાકાર્યો માટે શ્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી હતા ત્યારે સહયોગની ઈચ્છા વ્યકત કરેલી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અંતર્ગત યોજાયેલ વિવિધ સેવાકાર્યોમાં આ કાર્યક્રમનો સમાવેશ થયો તે આનંદની વાત છે. સુકન્યા સમૃધ્ધિ યોજનાના એકાઉન્ટ ખોલવા માટે જરૂરી બેલેન્સ ₹ ૨૫૦/- (બસો પચાસ) દરેક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવ્યું છે. હવે દરેક પરિવાર પોતાની આવકમાંથી દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે નિશ્ચિત રકમ દર મહિને જમા કરાવે તેવી અપીલ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ દીકરીઓનાં વાલીઓને કરી હતી.
તંદુરસ્ત અને સ્વસ્થ સમાજ માટે કુપોષિત બાળકોને નિયમિત પોષણક્ષમ આહાર મળે તે જરૂરી છે. ગરીબ વર્ગનાં બાળકોને કુપોષણથી બચાવીશું તો સમાજનું પોત સુધરશે. રાષ્ટ્રની સમૃધ્ધિ અને ઉત્પાદકતામાં વૃધ્ધિ થશે. તેવો અભિપ્રાય પણ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં આત્મીય યુનિવર્સિટી અને વિરાણી સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓને એન.સી.સી. અને રમતગમતની ઉપલબ્ધીઓ માટે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે આત્મીય યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડૉ. ડી.ડી. વ્યાસે સ્વાગત પ્રવચન કર્યું હતું.
આ પ્રસંગે સાંસદ રામભાઇ મોકરિયા અને મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ભાજપ પ્રવકતા રાજુભાઇ ધ્રુવ, આત્મીય યુનિવર્સિટીનાં પ્રોચાન્સેલર ડૉ. શીલા રામચંદ્રન, મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિનાં ચેરમેન ડૉ. રાજશ્રીબેન ડોડીયા, કોર્પોરેટર ચેતનભાઈ સુરેજા, જ્યોત્સનાબેન ટીલાળા અને નરેન્દ્રસિંહ વાઘેલા, જીલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી ડૉ. જનકસિંહ ગોહિલ, સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઑફ પોસ્ટ એમ.કે. પરમાર, આત્મીય યુનિવર્સિટીના ડૉ. જી. ડી. આચાર્ય, ડૉ. વિકાસ ખાસગીવાલા, ડૉ. આશિષ કોઠારી, વિરાણી સાયન્સ કોલેજના આચાર્ય ડૉ. કાર્તિક લાડવા, ધર્મેશભાઈ જીવાણી, પરશુરામ યુવા ગ્રૂપના પંકજ રાવલ સહિતના અગ્રણીઓ, યોજનાઓના લાભાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
#Atmiya University: Barso girls opened Samrudhi Yojana accounts