



ગુજરાતમાં વરસાદની તોફાની બેટીંગ યથાવત છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં વરસાદી હેલી સર્જાઈ છે. આ ત્રણ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાઈ રહ્યો છે. ગઈકાલ રાતથી વરસાદનું જોર વધ્યુ છે અને હજુ પણ સતત વરસાદ વરસી રહ્યો છે. આ તમામ ઘટનાઓની વચ્ચે સૌરાષ્ટ્રન મોટાભાગની નદીઓ ઉફાન પર છે અને કેટલાક ડેમ ઓવરફ્લો થવા જઈ રહ્યા છે.સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાં હાલ વરસાદની તોફાની બેટીંગ યથાવત છે. જામનગરના કાલાવાડ, જૂનાગઠના વિસાવદર અને રાજકોટ શહેરમાં આભ ફાડ્યુ હોય તેવી સ્થિતી છે. આંકડા પર નજર કરીએ તો, કાલાવાડ તાલુકામાં એક રાતમાં 15 ઈંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢનાં વિસાવદરમાં છેલ્લાં 6 કલાકમાં 12 ઇંચ વરસાદ સાથે છેલ્લા 2 કલાકમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજકોટનાં લોધિકામાં 2 કલાકમાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો છેલ્લા 30 કલાકમાં 16.5 ઈંચ વરસાદ સાથે 2 કલાકમાં 4 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કોટડાસાંગાણીમાં 3 ઇંચ અને ગોંડલમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે.આ ઉપરાંત સૌરાષ્ટ્રના ડેમની વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાના 8 ડેમ ઓવરફ્લો થયા છે.જામનગર જિલ્લામાં આવેલા સપડા, રણજીતસાગર, ફૂલઝર, ફુલઝર-1, કંકાવટી, રૂપારેલ, વાગડિયા ડેમ ઓવરફ્લો થયા છે. આ ઉપરાંત પડધરી પાસે આવેલો આજી-3 ડેમ ઓવરફ્લો થતા ધ્રોલ અને જોડિયા તાલુકાના નિંચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Saurashtra: The next 48 hours will be heavy