



મોટીબાણુંગારમાં જીવ બચાવવા લોકો અગાસી-છત પર ચડયા: મદદની રાહ: પારાવાર તારાજી: સંખ્યાબંધ પશુઓ તણાયા: પાદરની નદીનાં પુરથી સંકટ બેવડાયું રાજકોટ તા.13 સૌરાષ્ટ્રમાં નવા રાઉન્ડના વરસાદમાં રાજકોટ તથા જામનગર નિશાન બન્યા હતા. મુખ્યત્વે કાલાવાડ, જોડીયા તથા ગ્રામ્ય પંથકમાં આભ ફાફયુ હોવાની હાલત છે. બાંગા તથા મોટા બાણુગારમાં 22-22 ઈંચ વરસાદ ખાબકતા બન્ને ગામોનાં લોકોને અગાસી પર આશરો લેવો પડયો હતો અને બચાવ માટે એનડીઆરએફ ઉપરાંત એરફોર્સનાં હેલીકોપ્ટરને મદદમાં ઉતારવામાં આવ્યા હતા. બાવન લોકોને ઉગારવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
કાલાવડ તાલુકાનાં બાંગા તથા જામનગર તાલુકાનાં મોટી બાણુગાર ગામમાં અંધાધુંધ વરસાદ થયો હતો. વાદળ ફાટયુ હોય તેમ ચાર કલાકમાં 22-22 ઈંચ વરસાદ ખાબકયો હતો. બન્ને ગામો આખેઆખ જળબંબાકાર બની ગયા હતા. સર્વત્ર પાંચથી છ ફૂટ પાણી ભરાયા હતા અને લોકોને મકાનોની અગાસી-છત પર આશરો લેવો પડયો હતો. તમામ ઘરો-મકાનોમાં પાણી ઘુસી ગયાની હાલત સર્જાઈ હતી. વ્યાપક તારાજીની આશંકા છે.
ગામોના પાદરમાં વહેતી નદીઓમાં પુર ઉમટતા તથા તોફાની રૌદ્ર સ્વરૂપ પકડતા સંકટ બેવડાયુ હતું.બન્ને ગામોમાં પાણી ઘુસી ગયા હતા.સંખ્યાબંધ પશુઓ તણાઈ ગયાનું બહાર આવ્યું છે.
બેફામ વરસાદ તથા આકાશી આફતની જાણ થતાં વહીવટી તંત્ર એલર્ટ થયુ હતું.ફાયર બ્રિગેડ, એનડીઆરએફ ઉપરાંત એરફોર્સની પણ મદદ લેવામાં આવી હતી. બાંગા ગામે એક પરિવારનાં ફસાયેલા પાંચ લોકોને હેલીકોપ્ટરથી ઉગારી લેવામાં આવ્યા હતા.કુલ 20 લોકોને બચાવવા માટે એરફોર્સે ઓપરેશન હાથ ધર્યુ છે.
આ ઉપરાંત જામનગર તાલુકાના મોટી બાણુગાર ગામે પણ આકાશી આફત વરસી હતી. ગણતરીની કલાકોમાં જ 20 થી 22 ઈંચ વરસાદ ખાબકયો હતો.મકાનોમાં પાણી ઘુસ્યા હતા અને ફસાયેલા લોકોને ઉગારવા માટે હેલીકોપ્ટરની મદદ માંગવામાં આવી હતી.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Jamnagar: 22 inches in 6 hours in Motibanungar