



મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અને ઇ-કોમર્સ કંપની એમેઝોન વચ્ચે એમઓયુ થયા છે. આ એમઓયુથી રાજ્યના એમએસએમઇ ઉદ્યોગો માટે ઇ-કોમર્સ એક્સપોર્ટના નવા દ્વાર ખુલશે. અમદાવાદ,વડોદરા, સુરત, ભરુચ અને રાજકોટ સહિતના MSME ક્લસ્ટર્સમાં એમેઝોન ટ્રેનિંગ-વર્કશોપ વેબીનારના આયોજનથી MSME ઉદ્યોગોને B2C ઇ-કોમર્સ માટે સહાયરૂપ બનશે.
આ એમઓયુથી ગુજરાતના એમએસએમઈ ઉદ્યોગો એમેઝોનના ઇ-કોમર્સ પ્લેટફોર્મથી ૨૦૦થી વધુ દેશોમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકશે. રાજ્યના MSME ઉદ્યોગો માટે એમેઝોનના ૧૭ જેટલા ફોરેન ડીજીટલ માર્કેટપ્લેસ, બિઝનેસ ટુ કસ્ટમર્સ B2C ઇ-કોમર્સ એક્સપોર્ટ અને ગ્રાહકો સાથે સીધા વેચાણની નવી તકો ઉભી કરશે. મુખ્યમંત્રીની રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના MSME કમિશનર રણજીત કુમાર અને એમેઝોનના ગ્લોબલ સેલિંગ હેડ અભિજીત કામરાએ આ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.
આ એમઓયુ અંતર્ગત એમેઝોન ઈન્ડિયા દ્વારા ઇ-કોમર્સ એક્સપોર્ટ કેપેસિટી બિલ્ડિંગ સવલતોનું નિર્માણ થતા રાજ્યના લાખો એમએસએમઈ ઉદ્યોગોની મેડ ઇન ગુજરાત પ્રોડક્ટ્સ આંતરરાષ્ટ્રીય બજારો અને ઉપભોક્તા વર્ગ સુધી સરળતાથી વેચાણ થઈ શકશે.
એમેઝોન ખાસ કરીને ટેક્ષ્ટાઈલ, જેમ એન્ડ જવેલરી, હસ્તકલા કારીગરીની ચીજ વસ્તુઓ તેમજ હેલ્થ કેર પ્રોડક્ટ અંતર્ગત હર્બલ પ્રોડક્ટ ઓર્ગેનિક પ્રોડક્ટ માટે ગુજરાતના એમએસએમઇને વિશ્વના દેશોના ગ્રાહકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે
ઉલ્લેખનિય છે કે, ૨૦૨૦-૨૧ ના વર્ષમાં ગુજરાત દેશની કુલ નિકાસમાં ૨૧ ટકા યોગદાન સાથે એક્સપોર્ટ ક્ષેત્રે દેશનું અગ્રિમ રાજ્ય બન્યું છે. હવે આ એમઓયુ દ્વારા ઉદ્યોગ વિભાગના સહયોગથી એમેઝોન રાજ્યમાં MSME ક્લસ્ટર્સ ધરાવતા મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, ભરુચ અને રાજકોટ સહિતના શહેરોમાં B2C ઇ-કોમર્સ એક્સપોર્ટ અંગે ટ્રેનિંગ સેશન અને વેબીનાર તથા વર્કશોપના આયોજન કરી MSME એકમોને પોતાની પ્રોડક્ટ વિશ્વ બજારમાં પહોચડવામાં સહાયરૂપ બનશે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)