



કવિ અને ફિલ્મી ગીતકાર જાવેદ અખ્તર ફરી વિવાદમાં આવ્યા છે. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેમની ભગિની સંસ્થાઓની તુલના તાલીબાનો સાથે કરી દીધી છે. તેમના આ વિવાદિત નિવેદનને લઇને ઘાટકોપર પશ્ચિમના ધારાસભ્યે ધમકી આપી છે કે જ્યાં સુધી તેઓ માફી નહીં માગે ત્યાં સુધી તેમની ફિલ્મો રીલીઝ નહીં થવા દે.
એનડીટીવી સાથેના એક ઇન્ટરવ્યૂમાં જાવેદ અખ્તરે એવું કહ્યું કે તાલીબાનોની વિચારધારા અને સંઘ પરિવારની વિચારધારા એક જેવી જ છે. બન્ને લોકો જૂની પુરાણી પરંપરાઓને જ ચલાવવા માગે છે. તેઓ કંઇક નવું સ્વીકારવા તૈયાર નથી. તાલીબાનોએ મુસ્લિમોનું રાજ કાયમ કરવું છે અને સંઘ પરિવારે હિન્દુ રાષ્ટ્ર. બન્ને સંગઠનો મહિલાઓ વિશે એક જેવી જ વિચારધારા ધરાવે છે. જોકે, તેમણે કહ્યું કે ભારતના સામાન્ય લોકો ભલે તે હિન્દુ હોય કે મુસ્લિમ આવી વિચારધારાઓને ક્યારેય સ્વીકારતા નથી.
ભારતમાં પણ મુસલમાનો તાલીબાનોને સમર્થન કરી રહ્યા છે તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે આવા લોકો ખૂબ જ ઓછા છે અને સામાન્ય મુસલમાનો તેમની વાતને સ્વીકારતા નથી. એક સામાન્ય મુસલમાનને આજે તેના બાળકોને સારી શાળામાં ભણાવવા છે. તેઓ મદરસામાં મોકલવા માગતા નથી. પરંતુ રાજકારણને કારણે તમામ મુસલમાનો જાણે તાલીબાની હોય તેવું બતાવાય છે.જાવેદ અખ્તરના આવા નિવેદનોથી ભાજપના ધારાસભ્ય રામ કદમ ભડકી ગયા છે. તેમણે કહ્યું કે સંઘ પરિવારની તાલીબાનો સાથે તુલના કરી જ શકાય નહીં. સંઘ પરિવાર હમેશા ગરીબોની મદદ કરતું આવ્યું છે. જ્યાં સુધી અખ્તર માફી નહીં માગે ત્યાં સુધી તેમની ફિલ્મોને રીલીઝ નહીં થવા દે.
ખરેખર જાવેદ અખ્તરે તાલીબાનોની તુલના સંઘ સાથે કરીને ભૂલ જ કરી છે. તાલીબાનો હથિયારો સાથે લોકોને મારી નાંખે છે. સંઘ પરિવાર એક સામાજિક સંગઠન છે. તાલીબાનો જુદા જુદા વિસ્તારોમાં જઇને ત્યાંની સરકારોને પાડે છે. સંઘ પરિવારે આવું ક્યારેય કર્યું નથી. સંઘ પરિવારમાં તો મહિલાઓની પોતાની જુદી જુદી સંસ્થાઓ છે જ્યારે તાલીબાન તો મહિલાઓને ઘરથી બહાર પણ નીકળવા દેતું નથી. આમ, જાવેદ અખ્તરે પોતાના નિવેદનો પાછા ખેંચીને સંઘ પરિવારની માફી માગવી જોઇએ.
આ અગાઉ જાણીતા એક્ટર નસીરુદ્દીન શાહે પણ કહ્યું હતું કે જે મુસલમાનો તાલીબાનના સમર્થન કરી રહ્યા છે તેઓ શું જાહિલોનું રાજ લાવવા માગે છે. તેમણે સંઘ પરિવાર સાથે કોઇ તુલના કરી ન હતી. પરંતુ જાવેદ અખ્તર રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. તેઓ પોતાને એથિસ્ટ એટલે કે કોઇ ધર્મના માનનારા નથી તેવું જણાવે છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Taliban and Sangh Parivar alike: Javed Akhtar