



દેશમાં 68 કરોડથી વધુ લોકોને કોવિડ રસીનો પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરની ચિંતા વચ્ચે સરકારે રસીકરણ અભિયાનની ગતિમાં અનેકગણો વધારો કર્યો છે. એક તરફ જ્યાં દેશમાં કોરોના સામે લોકોને ઝડપથી રસી આપવામાં આવી રહી છે, તો બીજી તરફ કેન્દ્ર સરકારે રાજ્યોને આંતરરાષ્ટ્રીય બજારમાં નકલી રસીઓ અંગે સાવધાન રહેવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ દક્ષિણ પૂર્વ એશિયા અને આફ્રિકામાં નકલી કોવિડશીલ્ડ રસી મળી આવી હતી, જે બાદ વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ ચિંતા વ્યક્ત કરી હતી અને વિશ્વને ચેતવણી આપી હતી.રવિવારના રોજ કેન્દ્ર સરકારે કોવિશિલ્ડ રસીઓના નકલી ડોઝ અંગે રાજ્યોને પત્ર લખ્યો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય વતી રાજ્યોને ચેતવણી આપવામાં આવી હતી કે, રસી આપતા પહેલા તેઓએ રસીનું પરીક્ષણ કરવું જોઈએ. મંત્રાલયે અસલી અને નકલી રસીઓ ઓળખવા માટે પરિમાણોની યાદી શેર કરી છે. આ સૂચિ અનુસાર કોવિશિલ્ડની રસીઓ સરળતાથી ઓળખી શકાશે. કેન્દ્ર દ્વારા આપવામાં આવેલા પરિમાણોમાં લેબલ શું છે તેની માહિતી, તેનો રંગ, બ્રાન્ડ નામ અને ઓળખ માટે ત્રણેય રસીઓની વિગતો આપવામાં આવી છે.તાજેતરમાં એવા ઘણા અહેવાલો આવ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતની પ્રાથમિક કોવિડ 19 રસી કોવિશિલ્ડના નકલી ડોઝ દક્ષિણપૂર્વ એશિયા અને આફ્રિકામાં જપ્ત કરવામાં આવ્યા છે. ઘણા મીડિયા અહેવાલોમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે, કોવિશિલ્ડના બનાવટી ડોઝ દેશભરમાંથી પકડાયા છે. કોરોના વાયરસ સામેની લડાઈ વચ્ચે, બીમાર માનસિકતાના લોકો જે આપત્તિને અવસર બનાવે છે, કારણે ઘણા લોકોના જીવ જોખમમાં મૂકે છે. ભારતમાં અત્યાર સુધી 68.46 કરોડ ડોઝ લોકોને આપવામાં આવ્યા છે. આવા સમયે દરરોજ લાખો લોકોને રસી આપવામાં આવી રહી છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Covid vaccine: How to identify the correct vaccine?