



શ્રાવણ માસના અંતિમ દિવસોમાં શિવમંદિરોમાં ભકતો અને દર્શનાર્થીઓની ભીડ જામી રહી છે. શ્રાવણ માસમાં સુપ્રસિદ્ધ પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ અને દ્વારકા નજીકના જયોતિર્લિંગ નાગેશ્ર્વર મહાદેવ મંદિર સહિતનાં અનેકવિધ શિવ મંદિરોમાં આખો શ્રાવણ માસ ભક્તિની આહલેક જાગી છે. આગામી તા.6ને સોમવારે સોમવતી અમાસ હોવાથી પિતૃ તર્પણ વિધી થતી મહાદેવ સાથે પિતૃ નારાયણ દેવની કૃપા મેળવશે. પવિત્ર શ્રાવણ મહિનાના છેલ્લા ત્રણ દિવસ આરાવારા કહેવામાં આવે છે. આ ત્રણ દિવસ વહેલી સવારે બહેનો વહેલી સવારે પીપળે તર્પણ કરી ધૂપ-દીપ સાથે પાણી રેડી પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના કરે છે.
સોમવતી અમાસનાં રોજ સોમવાર હોવાથી સૌરાષ્ટ્રનાં સોમનાથ સહિતનાં અનેકવિધ શિવ મંદિરોમાં ભકતોની ભીડ જામશે. શિવ મંદિરોમાં પીપળે તથા આસપાસના પીપળાના વૃક્ષો વહેલી સવારે સૌ કોઈ પરિવાર સાથે પીપળે પાણી રેડી પિતૃ તર્પણ કરી પિતૃઓના અમી આશીષ મેળવશે. સોમનાથ ત્રિવેણી સંગમ સ્થળે પિતૃ તર્પણ વિધિ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજન ગોઠવવામાં આવ્યુ છે તો જુનાગઢના પવિત્ર દામોદર કુંડ ખાતે પણ મોટી સંખ્યામાં જુનાગઢવાસીઓ ઉપરાંત દુર દુરથી અનેક પરિવારો પિતૃ તર્પણ માટે ઉમટશે.
આ ઉપરાંત કોડીનાર-વેરાવળ નજીકનાં પ્રાંચી તીર્થ, વેરાવળના ભાલકા તીર્થ સ્થળે લોકો મોટી સંખ્યામાં પિતૃ તર્પણ માટે ઉમટશે.શ્રાવણના છેલ્લા દિવસ અમાસ સાથે સોમવાર હોવાથી આ દિવસે શિવમંદિરોમાં વિશેષ પૂજન અર્ચન, હોમાત્મક યજ્ઞ, લઘુ રૂદ્રાભિષેક, બ્રાહ્મણોને દાન, દક્ષિણા, ગાયોને ઘાસચારો નાખી લોકો પુણ્યનું ભાથુ બાંધી મહાદેવ સાથે પિતૃ નારાયણ દેવના આશીષ મેળવશે. શ્રાવણ માસની સમાપ્તી બાદ આવી રહેલા ગણેશ ઉત્સવમાં ભાવિકો વિધ્નહર્તા દુ:ખહર્તા દુદાળાદેવ ગણેશજીની આરાધના ભક્તિમાં લીન થશે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)