



અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના કાળમાં વિવાદમા રહેલા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. જે.વી. મોદીએ આખરે રાજીનામું આપી દીધું છે. તેમણે અગાઉ ત્રણ વખત રાજીનામા ધર્યાં છે પરંતું આ છેલ્લું રાજીનામું સરકારે મંજુર કરી દીધું છે. આજે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ તરીકે ડો. જે.વી. મોદીનો છેલ્લો દિવસ છે. રાજીનામું આપવાની સાથે જ તેઓ સિવિલ હોસ્પિટલના રાજકારણનો ભોગ બન્યા હોવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. અનેક મેડિકલ ઓફિસરોના મનમાં ડૉ .જે.વી. મોદી ખટકતા હોવાની ચર્ચાઓ થઈ રહી છે. તેમની વિરૂદ્ધ અનેક ખોટી ફરિયાદો કરવામાં આવી હતી.
તેમની વિરૂદ્ધ સરકારમાં અનેક અરજીઓ થઈ હતી
તેમની વિરૂદ્ધ થયેલી અનેક અરજીઓ સામેનો પડકાર તેમણે ઝીલ્યો હતો. અંતે થાકીને તેમણે સુપ્રિટેન્ડેન્ટ નું પદ છોડી દીધું છે. રાજીનામું આપ્યાં બાદ તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ મારી માં છે. આ હોસ્પિટલમાં હું 1991માં આવ્યો ત્યાંથી મને ઘણું મળ્યું છે. મે અનેક પડકારો ઝીલ્યા છે. હું પડકારોથી હરનારો માણસ નથી. સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઈનો એ મોટો પડકાર હતો. મારો વિલ પાવર મજબૂત છે અને હું પડકારો સામે લડનારો માણસ છું. રાજીનામું મે મારા અંગત કારણોસર આપ્યું છે.
કોરોનાની બીજી લહેરમાં સિવિલમાં દર્દીઓની કફોડી હાલત હતી
સિવિલ હોસ્પિટલમાં કોરોના સમયમાં દર્દીઓની ખૂબ જ દયનિય હાલત થઈ હતી. તેમજ અનેક લોકોએ સારવાર વગર દમ તોડયા હોવાના પણ દ્રશ્ય સામે આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ મોત થયા બાદ આંકડા છુપાવવામાં અને કેટલાક લોકોને સાચવવા માટે પ્રયાસ કર્યા હતાં. કોરોનાની બીજી લહેરમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની હાલત ખૂબજ ખરાબ થઈ હતી. લોકોને ઓક્સિજન અને સારવાર માટે બેડ મળવા પણ મુસીબત હતાં. આ સમયે સિવિલ હોસ્પિટલની કામગીરી સામે પણ સવાલો ઉભા થયાં હતાં.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Ahmedabad Civil Superintendent Dr. JV Modi resigned