



જન્માષ્ટમી ઉત્સવની દબદબાભેર ઉજવણી થઈ હતી. કૃષ્ણ ભક્તો દ્વારા ચારેતરફ “નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી” જય ઘોષ સાથે મંદિરોમાં કૃષ્ણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.કોરોનની વૈશ્વિક મહામારી દરમિયાન લાંબા સમય બાદ રંગીલું રાજકોટ શહેર રાત્રીના 1 વાગ્યા સુધી ધમધમ્યું હતું. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા મેળાવડા પર પ્રતિબંધ છતાં ભક્તો ભાન ભૂલ્યા હતા અને કોરોનાની ગાઇડલાઇનનો છડે-ચોક ભંગ કરી ઠેર ઠેર ભાવિકો ઉમટ્યા હતા. તથા કૃષ્ણ જન્મની વધામણી કરી ફટાકડા ફોડી, રસ્તા વચ્ચે અબીલ-ગુલાલ ઉડાડી ગરબાના તાલે ઉલ્લાસભેર જન્માષ્ટમીની ઉજવણી કરાઈ હતી.જન્માષ્ટમી એ સૌરાષ્ટ્રવાસીઓનો પ્રિય તહેવાર છે અને છેલ્લા 3 દિવસથી નંદ ઘેર આનંદ ભૈયો જય કનૈયા લાલકીના નાદથી સમગ્ર રાજકોટ શહેર ગુંજી ઉઠ્યું હતું. જેના કારણે રાજકોટ શહેરની દરેક ગલ્લીઓ ગોકુળ અને દરેક મહોલ્લામાં મથુરા જેવો માહોલ ઉભો કરી ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.શહેરમાં જંકશન પ્લોટ, એસ્ટ્રોન ચોક, રૈયા રોડ અને મહિલા કોલેજ અન્ડર બ્રીજ, રામાપીર ચોક, હાથીખાના સહીત સમગ્ર રાજકોટ શહેરમાં ઠેર ઠેર કૃષ્ણના બાળ સ્વરૂપ થી લઇ અલગ અલગ સ્વરૂપના અવતાર અને જુદા જુદા પ્રસંગો અંગેનું પ્રદર્શન પણ મુકવામાં આવ્યા હતા.લોકો કૃષ્ણ જન્મ પહેલા એટલે કે 12 વાગ્યા પૂર્વે રસ્તા પર રાસ રમતા , કૃષ્ણને ઝુલાવતા તો કોક કાન્હા સાથે સેલ્ફી લેવા મશગુલ હતા. આ સાથે 12 વાગતાની સાથે જ વ્હાલાના વધામણાં કરવા તેની આરતી ઉતારી હતી અને કેક કટિંગ કરવામાં આવ્યું તો ક્યાંક મટકી ફોડી માખણ અને મિસરી નો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. ભગવાનના શ્રી ક્રૃષ્ણના જન્મોત્સવ સમયે શહેરના માર્ગો પર શ્રધ્ધાળુઓનું ઘોડાપૂર ઉમેટી પડ્યું હતું. શહેરના માર્ગો દિવસમાં ફેરવાઇ ગયા હોય તેવો માહોલ પથરાઇ ગયો હતો. ભગવાનના જન્મ પછી કલાકો સુધી માર્ગો ઉપર લોકોની ચહલ પહલ રહી હતીશહેરના તમામ કૃષ્ણ મંદિરોમાં, ગોવર્ધન હવેલીમાં તેમજ ઈસ્કોન મંદિરમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમાઓને પણ વસ્ત્રો આભૂષણો અલંકારોથી સજ્જ કરવામાં આવ્યા છે. ઇસ્કોન મંદિરમાં પણ સંકીર્તન સાથે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ભવ્ય તૈયારી કરવામાં આવી હતી. ઇસ્કોન મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણને લઈને અખંડ ધૂનનો જાપ કરાયો હતો. તેમ જ પ્રસાદી માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)