



માર્ચ 2020 માં કોવિડ મરામારી શરૂ થઈ ત્યારથી ઘણા બાળકોએ તેમના માતા-પિતા અથવા બંને ગુમાવ્યા છે. આ બાળકો હવે શાળાનું શિક્ષણ પૂર્ણ કરવાના સંકટનો સામનો કરી રહ્યા છે. આવા બાળકોના શિક્ષણને લઈને સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને આવા બાળકોના શિક્ષણને સુનિશ્ચિત કરવા કહ્યું છે કે જો ખાનગી શાળાઓ આ બાળકોની ફી માફ કરી રહી નથી, તો રાજ્યએ શાળાની ફીનો બોજો ઉઠાવવો જોઈએ.કોર્ટે તેના આદેશમાં કહ્યું છે કે, “આવા બાળકો જેમણે માર્ચ 2020 પછી માતાપિતામાંથી કોઈ એક અથવા બન્ને ગુમાવ્યા છે, રાજ્ય સરકારો તેમની ખાનગી શાળાઓને આવા બાળકોની ચાલુ શૈક્ષણિક વર્ષની ફી માફ કરવા માટે કહે. જો ખાનગી સંસ્થાઓ આવી છૂટછાટ લાગુ કરવા માટે તૈયાર નથી તો રાજ્ય સરકારો ફી નો ભાર ઉપાડે.સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની ખંડપીઠે જણાવ્યું હતું કે, તમામ બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ એ ભારતના બંધારણની કલમ 21A દ્વારા બાંહેધરી આપેલ બંધારણીય અધિકાર છે. બાળકોના શિક્ષણ માટે સુવિધાઓ પૂરી પાડવી એ રાજ્યની ફરજ અને જવાબદારી છે. અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. તેમાં કોઈ શંકા નથી કે રાજ્ય અસહાય બાળકોનું શિક્ષણ ચાલુ રાખવાનું મહત્વ સમજે છે. આ ઉપરાંત બેન્ચે સ્પષ્ટતા કરી છે કે આ સહાય માત્ર તે બાળકો માટે છે જેમને સંભાળ અને રક્ષણની જરૂર છે. બાળ કલ્યાણ સમિતિઓને એવા બાળકોને ઓળખવા નિર્દેશ આપવામાં આવ્યા છે કે જેમને રાજ્યોની સંભાળ અને રક્ષણ અથવા નાણાકીય સહાયની જરૂર નથી.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)