



અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેચે સોમવારના રોજ ખૂબ જ મહત્વનો નિર્ણય આપ્યો છે. ઉત્તર પ્રદેશ પોલીસના એક કોન્સ્ટેબલની અરજીને ફગાવી દેતી વખતે આ ચુકાદો આપવામાં આવ્યો છે. ચુકાદો આપતી વખતે કોર્ટે કહ્યું કે, પોલીસ દળમાં દાઢી રાખવી બંધારણીય અધિકાર નથી. આ સાથે કોર્ટે અરજી દાખલ કરનારા કોન્સ્ટેબલ સામે જહેર કરાયેલા સસ્પેન્શન ઓર્ડર અને ચાર્જશીટમાં દખલ કરવાનો પણ ઇન્કાર કર્યો છે.
જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણની સિંગલ બેચે આ ચુકાદો આપ્યો હતો. DGP દ્વારા પોલીસ દળમાં દાઢી ન રાખવા અંગે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. આ આદેશનું પાલન ન કરવા બદલ અયોધ્યાના ખંડાસામાં તહેનાત કોન્સ્ટેબલ મોહમ્મદ ફરમાનને સસ્પેન્ડ કરીને ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ફરમાને સસ્પેન્શન અને ચાર્જશીટને પડકારતી હાઇકોર્ટમાં બે અલગ અલગ અરજી કરી હતી.
પહેલી અરજીમાં 26 ઓક્ટોબર, 2020ના રોજ પોલીસ મહાનિર્દેશક દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર સાથે અરજદારે તેમની વિરુદ્ધ ડીઆઈજી/એસએસપી અયોધ્યા દ્વારા પસાર કરાયેલા સસ્પેન્શન ઓર્ડરને પડકાર્યો હતો. જ્યારે બીજી અરજીમાં ખાતાકીય શિસ્તની કાર્યવાહીમાં અરજદાર સામે જારી કરવામાં આવેલી ચાર્જશીટને પડકારવામાં આવી હતી.
અરજદારે કહ્યું કે, બંધારણમાં આપેલા ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર હેઠળ તેમણે મુસ્લિમ સિદ્ધાંતોના આધારે દાઢી રાખી છે. સરકારી વકીલે આ અરજીનો વિરોધ કર્યો હતો. તેમણે બંને અરજીઓ સામે સવાલ ઉઠાવ્યા હતા. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે નોંધ્યું કે, 26 ઓક્ટોબર, 2020નો પરિપત્ર પોલીસ દળમાં શિસ્ત જાળવવા માટે જાહેર કરાયેલો એક કાર્યકારી આદેશ છે.
પોલીસ દળ શિસ્તબદ્ધ બળ હોવું જોઈએ અને કાયદા અમલીકરણ એજન્સી હોવાથી તેની છબી પણ બિનસાંપ્રદાયિક હોવી જોઈએ. કોર્ટે કહ્યું કે, તેમના SHOની ચેતવણી હોવા છતાં અરજદારે તેની દાઢી ન કાપીને ગેરવર્તન કર્યું છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Police can no longer keep beard: Allahabad High Court