



રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવના આગામી તહેવારોની ઉજવણી લોકો કરી શકે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠક મહત્વના નિર્ણયો કરાયા છે.રાજ્યના લોકો જન્માષ્ટમીએ રાત્રે ૧ર વાગે કૃષ્ણ જન્મોત્સવ ઉજવી શકે તે માટે ૮ મહાનગરોમાં રાત્રી કરફયૂ અમલમાં છે ત્યાં એક દિવસ પૂરતો રાત્રિ કરફયુ રાત્રિના ૧ વાગ્યાથી અમલી કરાશે. ભક્તોને મંદિર પરિસરમાં એક સમયે એક સાથે વધુમાં વધુ ર૦૦ લોકોને દર્શન માટે છૂટ આપવામાં આવી છે. મંદિરો દર્શન માટે આવતા તમામ ભક્તોએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ગાઇડ લાઇનનું પાલન કરવાનું રહેશે. મંદિરમાં બે ફૂટના અંતરે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ગોળ કુંડાળા-સર્કલ કરીને તેમાં ઊભા રહીને દર્શન કરવાના રહેશે. મંદિર પરિસરમાં ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો પણ ચુસ્તપણે પાળવાના રહેશે.રાજ્યમાં જન્માષ્ટમી નિમિત્તે યોજાતી શોભાયાત્રાની પરંપરા જળવાય તે માટે ૨૦૦ લોકોની સંખ્યામાં મર્યાદિત રૂટ ઉપર યાત્રાની છૂટ અપાશે. સરકાર દ્વારા જન્માષ્ટમીના તહેવારોના લોકમેળા યોજવાની પરવાનગી આપવામાં આવશે નહી. તે ઉપરાંત મટકી ફોડ ઉત્સવને પણ પરવાનગી આપવામાં આવશે નહિ. ગણેશ ઉત્સવને લઈને પણ સરકારે મહત્વની જાહેરાતો કરી છે. ૯ સપ્ટેમ્બરથી ૧૯ સપ્ટેમ્બર દરમ્યાન ઉજવાઈ રહેલા સાર્વજનિક ગણેશોત્સવમાં ૪ ફૂટની ગણેશ પ્રતિમા અને ઘરમાં બે ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપના કરી શકાશે. સાર્વજનિક ગણેશોત્સવના સ્થળોએ મંડપમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ અને ફરજિયાત માસ્ક સાથે લોકો ગણેશ દર્શન કરી શકશે. આ માટે બે ફૂટના અંતરે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે સર્કલ કરીને તેમાં ઊભા રહીં દર્શન કરવાના રહેશે. સાર્વજનિક ગણેશોત્સવ સ્થળોએ માત્ર પૂજા-આરતી અને પ્રસાદ વિતરણની ધાર્મિક વિધિની જ છૂટ આપવામાં આવી છે, અન્ય કોઇ જ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહિ. રાજ્યના ૮ મહાનગરોમાં ગણેશોત્સવ દરમ્યાન રાત્રે ૧૧ વાગ્યા સુધી લોકો દર્શન કરી શકે તે માટે આ દિવસો દરમ્યાન આ મહાનગરોમાં રાત્રિ કરફયુનો અમલ આ મહાનગરોમાં રાત્રે ૧ર વાગ્યાથી કરાશે. ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ ૧૫ લોકોની મર્યાદામાં એક વાહન દ્વારા સ્થાપન-વિર્સજનની મંજૂરી આપવામાં આવશે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Gujarat: Government announces Janmashtami and Ganesh Utsav