



રાતની ચાંદનીમાં તાજમહલને નિહાળવાની મઝા કંઇક અનોખી જ છે. કોરોના મહામારીને કારણે લગભગ એક વર્ષથી બંધ રહેલો તાજમહલ ૨૧ ઑગસ્ટથી પર્યટકો માટે રાતે જોવા માટે ખુલ્લો મૂકવામાં આવશે. કોરોનાને કારણે લગાવવામાં આવેલા પહેલા લૉકડાઉનને લીધે ૧૭ માર્ચ, ૨૦૨૦થી તાજમહલનું રાત્રિદર્શન બંધ કરવામાં આવ્યું હતું. આગ્રા સર્કલના પુરાતત્ત્વવિદ્ વસંતકુમાર સ્વર્ણકારે જણાવ્યું હતું કે ૨૧, ૨૩ અને ૨૪ ઑગસ્ટના તાજમહલનું રાત્રિદર્શન કરી શકાશે, કારણ કે દર શુક્રવારે તાજમહલ બંધ રાખવામાં આવે છે અને રવિવારે લૉકડાઉન ચાલુ હશે. પર્યટકો માટે ત્રણ ટાઇમ સ્લોટ રાખવામાં આવ્યા છે. રાતે ૮.૩૦થી ૯ સુધી, રાતે ૯થી ૯.૩૦ સુધી અને રાતે ૯.૩૦થી ૧૦ વાગ્યા સુધી- એમ ત્રણ ટાઇમ સ્લોટમાં તાજમહલનો રાત્રિ નજારો માણવા મળશે. સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ દરેક ટાઇમસ્લોટમાં ૫૦ પર્યટકને પ્રવેશ આપવામાં આવશે. તાજમહલના રાત્રિદર્શન માટે એડ્વાન્સમાં ટિકિટ બુક કરાવી શકાશે. ટૂરિઝમ ગિલ્ડ ઑફ આગ્રાના ઉપપ્રમુખ રાજીવ સક્સેનાએ જણાવ્યું હતું કે આ એક સારું પગલું છે. પણ રવિવારના લૉકડાઉનના નિયંત્રણો હળવા નહીં થાય અને રાતના ૧૦ વાગ્યા પછી કરફ્યુનું નિયંત્રણ ઉઠાવી લેવામાં નહીં આવે ત્યાં સુધી વીકઍન્ડના પર્યટકો અહીં આવશે નહીં.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)