



સામાન્ય લોકોથી માંડીને સરકારી જમીનો પર બારોબાર ગેરકાયદે કબ્જો જમાવી લેતા ભૂમાફીયાઓને સીધાદોર કરવા લાગુ કરાયેલા લેન્ડ ગ્રેબીંગ કાયદા અંતર્ગત પણ મહેસુલ વિભાગ અસરકારક કાર્યવાહી કરવાને બદલે ભૂમાફીયાઓને છાવરતા હોવાનું ધ્યાને આવતા ખળભળાટ સર્જાયો છે. અમદાવાદમાં તો જીલ્લા કલેકટરે ગંભીર નોંધ લઈને ડેપ્યુટી કલેકટર, મામલતદારો, પ્રાંત અધિકારીઓ જેવા મહેસુલી સ્ટાફને આવા કૃત્યો સામે શોકોઝ નોટીસ ફટકારવાની ચેતવણી આપી છે.
લેન્ડ ગ્રેબીંગના કેસોમાં મહેસુલી અધિકારીઓનો અભિપ્રાય જ આખરી નિર્ણાયક હોય છે. પરંતુ અધિકારીઓ સ્પષ્ટ અભિપ્રાય નહીં આપીને ભૂમાફીયાઓને આડકતરી મદદ કરતા હોવાનું ધ્યાને આવ્યુ છે. સામાન્ય લોકો કે સરકારની જમીન હડપ કરી લેતા ભૂમાફીયાઓને અટકાવવા માટે ગુજરાતમાં આકરો લેન્ડગ્રેબીંગ કાયદો લાગુ પાડવામાં આવ્યો હતો પરંતુ મહેસુલી તંત્ર સ્પષ્ટ અભિપ્રાય આપતુ ન હોવાથી ગુના દાખલ કરવામાં પોલીસના હાથ હેઠા પડી જાય છે.
અમદાવાદમાં જીલ્લા કલેકટર સંદીપ સાગલેએ લેન્ડગ્રેબીંગના કેસોની સમીક્ષા બેઠક યોજી હતી. મહેસુલી સ્ટાફ દ્વારા સ્પષ્ટ અભિપ્રાયો નહીં આપીને કેસો પડતર રાખવાના વલણની ઝાટકણી કાઢવામાં આવી હતી. આ પુર્વે પણ તેઓએ સ્ટાફને સાચી હકીકત સામે મુકવાની તાકીદ કરી હતી છતાં અભિગમ નહીં બદલાતા હવે શોકોઝ નોટીસ જેવા આકરા ખાતાકીય પગલા લેવાની ચેતવણી આપી હતી.
જમીનના વધતા ભાવોની સાથોસાથ લેન્ડગ્રેબીંગના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. મોટાભાગે નાના-સામાન્ય લોકો કે ખેડુતોની જમીનો જ ભૂમાફીયાઓ હડપી લેતા હોય છે. ભૂમાફીયાઓ સરકારી જમીનને પણ છોડતા નથી. આવા કૃત્યો રોકવા માટે રાજય સરકારે લેન્ડ ગ્રેબીંગ કાયદો અમલમાં મુકયો હતો. ભૂમાફીયાઓનો ભોગ બનેલા લોકોને ન્યાય અપાવવા તથા જમીનના ગેરકાયદે કબ્જો છોડાવવાનો ઉદેશ હતો.
લેન્ડ ગ્રેબીંગ કાયદા અંતર્ગત જમીનના ગેરકાયદે કબ્જાની ફરિયાદની તટસ્થ ચકાસણી માટે ઉચ્ચસ્તરીય કમીટી છે તેની દર મહીને બેઠક થાય છે. તપાસ રીપોર્ટના આધારે ફોજદારી ગુના દાખલ કરવાની જોગવાઈ છે. રાજય સરકારે લેન્ડ ગ્રેબીંગ કાયદા હેઠળ કરેલી કાર્યવાહીના રીપોર્ટમાં મહેસુલપ્રધાન કૌશિક પટેલે કહ્યું કે રાજયમાં 345 ફોજદારી ગુના દાખલ કરી દેવામાં આવ્યા છે તે પૈકી 190માં ચાર્જશીટ પણ દાખલ થઈ ગયા છે.
રાજયમાં અત્યારસુધીમાં 6884 અરજી થઈ હતી તેમાંથી 4489માં તપાસ પૂર્ણ થઈ છે. 730 કરોડની 76.60 લાખ મીટર જમીન પર ગેરકાયદે કબ્જો હોવાનું સાબીત પણ થઈ છે. આ કેસોમાં ઝડપી સુનાવણી માટે ખાસ કોર્ટની રચના કરવામાં આવી છે અને દરેક કોર્ટમાં એક સરકારી વકીલ નિમવામાં આવ્યા છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
AHMEDABAD: Land mafias are being targeted by revenue staff! : Collector’s warning to take action