



લવ જેહાદને લગતા રાજ્ય સરકારના કાયદા અંગે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને ઝાટકો આપ્યો છે. હાઈકોર્ટે એક સૂનાવણી દરમિયાન આ કાયદાની અમલવારી પર રોક લગાવી છે. હવે ગુજરાત સરકારે સુધારેલી ગુજરાત ધર્મ સ્વતંત્રતા કાયદાની કલમોની અમલવારી થઈ શકશે નહીં.ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજી પર કોર્ટે સૂનાવણી શરૂ કરી હતી. આ સૂનાવણી દરમિયાન હાઈકોર્ટે અમલવારી પર રોક લગાવતા કહ્યું છે કે, આંતરધર્મીય લગ્નના કિસ્સામાં માત્ર લગ્નના આધાર પર એફઆઈઆર થઈ શકશે નહિ, બળજબરી, દબાણ કે લોભ લાલચથી લગ્ન થયા છે તેવું પુરવાર કર્યા સિવાય એફઆઈઆર કરી શકાશે નહિ.હાઈકોર્ટે ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) કાયદાની કલમ 3, 4, 5 અને 6 ની કલમોમાં લગ્ન બાબતે જે સુધારા કરાયા છે તેની અમલવારી પર રોક લગાવી છે. ઉલ્લેખનિય છે કે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 15 જૂનથી ગુજરાતમાં લાગુ કરાયો છે. આ કાયદામાં 5 વર્ષ સુધીની સજા અને 2 લાખ રૂપિયાના દંડની, જ્યારે સગીર સાથેના ગુનામાં 7 વર્ષની સજા અને 3 લાખ રૂપિયાના દંડની જોગવાઇ છે. આ ઉપરાંત અનુસૂચિત જાતી, જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષની જોગવાઇ કરવામાં આવી છે. લવ જેહાદનાં કિસ્સામાં નવી કલમ 3ક દાખલ કરવામાં આવી છે. જેનાથી વ્યક્તિ વિરુદ્ધ નારાજ થયેલા તેના માતાપિતા, ભાઇ બહેન અને લોહીના સબંધીઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી શકે છે. આમાં મદદગારી કરનારા વ્યક્તિ વિરુદ્ધ પણ કાર્યવાહીની જોગવાઈ છે. આની તપાસ નાયબ પોલીસ અધીક્ષક કે તેનાથી ઉચ્ચ દરજ્જાના પોલીસ અધિકારીએ જ કરવાની પણ જોગવાઈ કરાઈ છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)