



અફઘાનિસ્તાનના 102 મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે તાલિબાને સત્તાવાર રીતે આ દેશને ‘ઇસ્લામિક અમીરાત’ જાહેર કર્યો છે. ગુરુવારે તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે આ નિર્ણયની માહિતી આપી હતી. ઝબીઉલ્લાહે કહ્યું કે અફઘાનિસ્તાનનું નામ હવે બદલીને ‘ઇસ્લામિક અમીરાત’ કરવામાં આવ્યું છે.તાલિબાને ફરી એક વખત અફઘાનિસ્તાનની 102 મી આઝાદીના અવસર પર ‘અફઘાનિસ્તાનનું ઇસ્લામિક અમીરાત’ બનાવવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાને લડાઈ કરીને બ્રિટિશ શાસનથી આઝાદી મેળવી હતી. આ નામ તાલિબાન દ્વારા 1996-2001 વચ્ચે તેમના શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું, 2001 માં તાલિબાનને અમેરિકી સૈનિકો દ્વારા હાંકી કાઢ્યા બાદ ‘ઇસ્લામિક અમીરાત’નું નામ બદલીને અફઘાનિસ્તાન કરવામાં આવ્યું હતુ.જ્યારથી તાલિબાનોએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો કર્યો છે, ત્યાંથી તાલિબાન સરકારની રચના તરફ ઝડપથી કામ શરૂ થયું છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ગયા બાદ, ઉપ રાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે પોતે “સંભાળ રાખનાર રાષ્ટ્રપતિ” તરીકે દેશ પર નિયંત્રણ હોવાનો દાવો કર્યો છે. અફઘાનિસ્તાનમાં “સમાવેશી સરકાર” બનાવવા માટે તાલિબાનોએ તેમની મસલત તેજ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે મુલ્લા અબ્દુલ ગની બરાદર અને અનસ હક્કાની સહિતના વરિષ્ઠ તાલિબાન નેતાઓ ગુરુવારે કાબુલ પહોંચી રહ્યા છે. તમને જણાવી દઈએ કે તાલિબાનના એક વરિષ્ઠ નેતા વહીદુલ્લાહ હાશિમીએ જણાવ્યું છે કે ઈસ્લામિક અમીરાતની રચના બાદ હવે આ દેશમાં સત્તા ચલાવવા માટે તાલિબાનના અગ્રણી નેતાઓની કાઉન્સિલ બનાવવામાં આવશે. કાઉન્સિલનું નેતૃત્વ તાલિબાન નેતા હૈબતુલ્લા અખુંદઝાદા કરશે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Taliban rename Afghanistan: Islamic Emirate