



ચોમાસામાં વરસાદ ખેંચાવાને કારણે રાજ્યના ડેમમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે અને ડેમનો જળ સંગ્રહ તેમની કુલ સંગ્રહ ક્ષમતાના 47.54 ટકા છે, નર્મદા અને જળ સંસાધન, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી હતી. રાજ્યમાં 200થી વધુ ડેમ અને જળાશયોમાં પાણીનું સ્તર તેમની કુલ સંગ્રહ ક્ષમતાના અડધાથી ઓછું છે. તેમ છતાં રાજ્ય સરકારે ઉભા પાકને નુકસાન અટકાવવા માટે 5 લાખ હેક્ટર જમીનમાં સિંચાઈ માટે ડેમમાંથી પાણી આપવાનું નક્કી કર્યું છે.
ભારતીય હવામાન વિભાગ એ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વરસાદની અછત રહે છે, અત્યાર સુધી નોંધાયેલા સામાન્ય વરસાદથી -45 ટકાની અછત છે. ગુજરાતમાં 1 જૂનથી 10 ઓગસ્ટ વચ્ચે સામાન્ય વરસાદથી -45 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ સમયગાળા માટે 458.8 mm સામાન્ય વરસાદની સામે રાજ્યમાં માત્ર 252.7 mm વરસાદ નોંધાયો છે. સરકારે જણાવ્યું હતું કે, 207 ડેમોમાંથી માત્ર પાંચ ડેમ કાંઠે ભરાયા છે, અને તેમાંથી ચાર ડેમ સૌરાષ્ટ્ર અને એક દક્ષિણ ગુજરાતમાં છે.
ચાલુ ખરીફ સિઝનમાં 75,73,106 હેક્ટર જમીનમાં વાવણી પૂર્ણ થઈ ગઈ હોવાને કારણે રાજ્ય સરકારે 30 સપ્ટેમ્બર સુધી પીવાનું પાણી પુરૂ પાડ્યા બાદ 5 લાખ હેક્ટર જમીનમાં ડેમમાંથી ઉભા પાકને પાણી આપવાનું નક્કી કર્યું છે. મંગળવારના રોજ આ અંગેના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા.
ગુજરાતના 33 જિલ્લાઓમાંથી અરવલ્લી અને ગાંધીનગરમાં ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં “અછત” વરસાદ નોંધાયો છે, જ્યારે બાકીના 31 જિલ્લાઓમાં “અપૂરતો” વરસાદ નોંધાયો છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)