



સરકાર હાઈકોર્ટની પરવાનગી વગર કોઈપણ સાંસદ અને ધારાસભ્ય સામે નોંધાયેલા કેસો પાછી ખેંચી નહીં શકે. એક જજમેન્ટમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સાંસદો અને ધારાસભ્યો સામે નોંધાયેલા ફોજદારી કેસ હાઇકોર્ટની પરવાનગી વગર પાછ ખેંચી નહીં શકાય. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં સાંસદો અને ધારાસભ્યો સામે નોંધાયેલા કેસો માટે ખાસ કોર્ટ અને ઝડપી ટ્રાયલની માંગ કરાઈ હતી. સુપ્રીમ કોર્ટે સાંસદ-ધારાસભ્ય વિરુદ્ધ વિશેષ અદાલતની સ્થાપનાના મુદ્દે કેન્દ્ર તરફથી કોઈ જવાબ ન આવતા નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકારને જવાબ આપવાની છેલ્લી તક આપવામાં આવી રહી છે. હવે આ મામલે આગામી સુનાવણી 25 ઓગસ્ટે થશે. ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે સરકારને જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે તમામ હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ એમપી અને એમએલએના પેન્ડિંગ કેસ તેમજ કેસના નિકાલ અંગે તેમના મુખ્ય ન્યાયાધીશને સંપૂર્ણ માહિતી આપે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે સીબીઆઈ કોર્ટ અને અન્ય અદાલતોએ પણ સાંસદો અને ધારાસભ્યો સામે પડતર કેસોની સુનાવણી ચાલુ રાખે. રાજકારણમાં વધી રહેલા ગુનાહિત કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો છે. આ આદેશ બાદ હવે સરકાર હાઈકોર્ટની પરવાનગી વગર કોઈપણ સાંસદ અને ધારાસભ્ય સામે નોંધાયેલા ફોજદારી કેસો પાછી ખેંચી શકશે નહીં.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)