



શ્રાવણ માસનો સોમવારથી પ્રારંભ અને સોમવારે જ પૂર્ણાહૂતિ થશે. શ્રાવણ માસમાં ૨૨ ઓગસ્ટે રવિવાર અને ૩૦ ઓગસ્ટે જન્માષ્ટમી જેવા તહેવારોની હેલી પણ સર્જાશે.
જીવનને શિવમય બનાવીને ધન્યતા પામવાનો અનેરો અવસર એટલે શ્રાવણ માસ. ભોળાનાથને પૂજા-અર્ચના-આરાધના કરીને રીઝવવા માટે ભાવિકોમાં અનેરો થનગનાટ છે. શ્રાવણ માસ એટલે શિવ પૂજા માટેનો સર્વશ્રેષ્ઠ માસ. અનેક ભક્તો ઉપવાસ-એકટાણા દ્વારા શ્રાવણ માસ કરતા હોય છે.કોરોના મહામારીને પગલે શિવમંદિરોમાં વિશિષ્ટ તકેદારી રાખવામાં આવી છે.કેટલાક શિવમંદિરોમાં ભક્તોને ગર્ભગૃહમાં પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લીધો છે. કેટલાક મંદિરોમાં જે ભક્તોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોય તેમને જ ગર્ભગૃહમાં પ્રવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અનેક મંદિરોમાં ભક્તોને બિલિપત્ર, ફૂલ ચઢાવવા અને અભિષેક કરવાની પણ મનાઇ છે. ભક્તો કોવિડ ગાઇડલાઇન્સ સાથે દર્શન કરે તેના માટે વિશિષ્ટ આયોજનો કરવામાં આવેલા છે. જેમાં દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓએ માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું, ટેમ્પરેચર ચેક કરાવવું, મંદિરની રેલિંગને અડકવી નહીં, દર્શન બાદ મંદિર પરિસરમાં ક્યાંય રોકાવવું નહીં તેવા નિયમનો સમાવેશ થાય છે. સોમનાથના દર્શન માટે સેકંડો ભક્તો રવિવારે રાત્રે જ પહોંચી ગયા છે.