



રાજકોટમાં ચાલુ વર્ષે ચોમાસુ ખેંચાયા બાદ ફરી અટકી ગયું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. આથી પ્રથમ વરસાદ પૂર્વે જે રીતે સરકાર પાસે સૌની યોજનાના પાણીની માગણી કરવામાં આવી હતી તે રીતે ફરી 15 ઓગષ્ટ બાદ નવેસરથી પાણી માગવાની સ્થિતિ ઉભી થઇ શકે છે. હવેના 10 દિવસમાં વરસાદથી ડેમોમાં નવી આવક ન થાય તો ફરી પાણી વિતરણનું પૂરા વર્ષનું આયોજન નવેસરથી તૈયાર કરવું પડે તેમ છે. તેવું મ્યુનિ.કમિશનરે જણાવ્યું છે. આજી ડેમમાં 15 સપ્ટેમ્બર સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો છે.સરકારે આજી અને ન્યારી ડેમમાં તાજેતરમાં સૌનીનું પાણી ઠાલવ્યું હતું. પરંતુ ડેમોમાં આવક શરૂ થતા આ પાણી બંધ કરી દેવાયું છે. તો સાથે વરસાદ પણ ન આવતા ફરી મહિના પહેલાની સ્થિતિમાં જળાશયો આવી ગયા છે. આજે મ્યુનિ. કમિશ્નર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, ડેમોમાં હાલ તો પૂરતો જળજથ્થો છે અને સરકાર પાસે માગણી કરવામાં આવે એટલે વહેલી તકે સૌની યોજનાનું પાણી આપી પણ દેવામાં આવે છે.