



મહામારીએ લોકોને અનેક રીતે નુકશાન કર્યું છે. કોરોનાને કારણે બેકારીનો દર પણ વધ્યો છે. જુલાઈમાં ભારતમાં બેરોજગારી દર ઘટીને ચાર મહિનાના નીચલા સ્તર પર આવી ગયો છે.25 જુલાઈએ બેરોજગારી દર 7.1 ટકા હતો. પરંતુ આર્થિક ગતિવિધિઓમાં સુધારા છતાં લગભગ 32 લાખ લોકોએ પોતાની નોકરી ગુમાવી દીધી છે. આ પહેલા એપ્રિલ અને મેમાં પણ 22.7 મિલિયન નોકરીઓનું નુકશાન થયુ હતું. જો કે આગામી તહેવારોની સીઝનને જોતા ઈ-કોમર્સ, ફુડ-ટેક, લોજીસ્ટીકસ અને રિટેલ સેગમેન્ટમાં અસ્થાયી કર્મચારીઓની ભરતીમાં 20-35 ટકાનો વધારો થયો હોવાનું અનુમાન લગાવાયું છે.
શહેરમાં નોકરી ગુમાવનારા વધુ: જૂન મહિનામાં શહેરી બેરોજગારી દર 10.07 ટકા હતો જે જુલાઈથી ઘટીને 8.3 રહી ગયો છે, તેમ છતાં નોકરી ગુમાવનાર પગારદાર લોકોની સંખ્યા સતત વધી રહી છે. નોકરી ગુમાવનારાઓમાં 26 લાખ શહેરી લોકો હતા. એપ્રિલમાં બેરોજગારી દર 9.78 ટકા અને મેમાં 14.76 ટકા હતો.ગ્રામીણ બેરોજગારી દર ઘટયો: જયારે ગ્રામીણ બેરોજગારી દર જુલાઈમાં ઘટીને 6.34 ટકા થઈ ગયો છે. જુનમાં આ આંકડો 8.75 ટકા હતો. હરિયાણા અને ગોવામાં ટકાવારી વધી: દેશના રાજયોમાં બેરોજગારી દરમાં સૌથી વધુ હરિયાણા (28.1 ટકા), ગોવા (21.4 ટકા), રાજસ્થાન (21 ટકા), જમ્મુ-કાશ્મીર 15.4 ટકા, ત્રિપુરા 13.2 ટકા છે. જયારે મહારાષ્ટ્રમાં 4.3 ટકા, દિલ્હીમાં 10.7 ટકા, ઉતરપ્રદેશમાં 5 ટકા અને પશ્ર્ચિમ બંગાળમાં 7.4 ટકા લોકો બેરોજગાર છે.