



કોરોના મહામારીની બીજી લહેર ધીમે-ધીમે શમી રહી છે અને ત્રીજી લહેર આંગણે દસ્તક દઈ રહી છે. લોકો આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યા છે અને બેરોજગારી તેના ચરમ પર છે તેવા સમયમાં ગુજરાત રાજ્યના પોલિસ વિભાગે પોતાના નાગરિકો પાસેથી છેલ્લા 2 મહિના દરમિયાન 45 કરોડથી વધુ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ સામાન્ય પ્રજાને માસ્ક ન પહેરવા કે જાહેરમાં થૂંકવા બદલ દંડવામાં આવી રહ્યા છે. કોરોના મહામારીના આ આર્થિક તંગીના માહોલમાં માત્ર 2 મહિનામાં જ રાજ્ય પોલિસ વિભાગે સામાન્ય પ્રજા પાસેથી 45 કરોડ રૂપિયાથી વધુ રકમ દંડ વસૂલ્યો જૂન અને જુલાઈ મહિનાની વાત કરીએ તો રાજ્યના મુખ્ય શહેર અમદાવાદમાં જ 10 કરોડ 72 લાખથી વધુ રકમ વસૂલવામાં આવી છે. જ્યારે વડોદરામાં કુલ 2 કરોડ 68 લાખથી વધુ રકમ દંડ પેટે ઉઘરાવવામાં આવી છે. સુરત શહેરની વાત કરીએ તો 4 કરોડ 17 લાખથી વધુ રકમ દંડ રૂપે વસૂલવામાં આવી છે. વળી, રાજકોટમાં કુલ 6 કરોડ 56 લાખ રૂપિયાનો દંડ લેવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ કોરોના વાયરસ મહામારીની પરિસ્થિતિ લાંબા સમયથી ચાલી રહી છે. એનફોર્સમેન્ટ અને જાગૃતિ લાવવાના પ્રયત્નોની સાથે સાથે સમગ્ર રાજ્યના દરેક જિલ્લા અને શહેરમાં આ પ્રક્રિયા ચાલી રહી છે