



મધ્યપ્રદેશમાં હવામાન વિભાગે 25 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગ્વાલિયર, શિવપુરી, ગુના, અશોક નગર, દતિયા, શ્યોપુર, મુરૈના અને ભીંડમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યના અધિક મુખ્ય સચિવ (ગૃહ) રાજેશ રાજોરાએ જણાવ્યું કે શિવપુરી, શ્યોપુર, ગ્વાલિયર અને દતિયા જિલ્લામાં બચાવ કાર્ય માટે સેનાને બોલાવવામાં આવી છે. જ્યારે, મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પરિસ્થિતિ વિશે માહિતી આપી દીધી છે, તેમણે તમામ શક્ય મદદ પૂરી પાડવાની ખાતરી આપી છે.શિવપુરી જિલ્લાના પપરૌધા ગામમાં મંગળવારે સવારે પાંચ લોકોને બચાવવામાં આવ્યા હતા. આ સિવાય બીચી ગામમાં ત્રણ લોકો લગભગ 24 કલાક સુધી ઝાડ પર ફસાયેલા હતા. આ લોકો બચવા માટે ઝાડ પર ચઢી ગયા હતા અને બાદમાં જ્યારે તેમને બહાર નીકળવાનો કોઈ રસ્તો ન મળ્યો ત્યાંરે તેઓ ત્યાં જ રહ્યા. મુખ્યપ્રધાન ચૌહાણે માહિતી આપી કે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની એક ટીમે એક બોટની મદદથી આ ત્રણ લોકોને બચાવ્યા હતા. તેમણે કહ્યું કે પૂર પ્રભાવિત વિસ્તારોનો હવાઈ સર્વે કરવામાં આવશે.ગ્વાલિયર-ચંબલ પ્રદેશના કુલ 1171 થી વધુ ગામો વરસાદને કારણે પ્રભાવિત થયા છે, ખાસ કરીને શિવપુરી અને શ્યોપુર, જ્યાં 800 મીમી વરસાદનાં કારણે પૂરની સ્થિતિ બની છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને SDRF એ 1600 લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડ્યા છે. 200 ગામો હજુ પણ પાણીમાં છે.