



ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધા બાદ ફરીથી મહેર કરી છે અને રાજ્યમાં સાર્વત્રિક વરસાદ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 30% વરસાદ વરસી ગયો છે તેમાં પણ છેલ્લા 48 કલાકમાં સિઝનના કુલ વરસાદના 6.66 ટકા વરસાદ પડ્યો. રાજ્યના તમામ 251 તાલુકામાં સારો વરસાદ પડ્યો છે. વળી, બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે હવામાન વિભાગે હજુ 30 જુલાઈ સુધી રાજ્યમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.રાજ્યમાં અત્યાર સુધી 32.58 ટકા વરસાદ નોંધવામાં આવ્યો છે. રાજ્યના 25 તાલુકામાં 20થી 40 ઈંચ વરસાદ, 88 તાલુકામાં 10થી 20 ઈંચ, 96 તાલુકામાં 5થી 10 ઈંચ અને 39 તાલુકામાં 2થી 5 ઈંચ વરસાદ નોંધવામાં આવ્યો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 35.19 ટકા વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં 31.89 ટકા, મધ્ય-પૂર્વ ગુજરાતમાં 30.08 ટકા, ઉત્તર ગુજરાતમાં 28.16 ટકા અને કચ્છમાં 30.25 ટકા વરસાદ નોંધવામાં આવ્યો છે. રાજ્યના ત્રણ જિલ્લામાં 25 ઈંચથી વધુ વરસાદ નોંધવામાં આવ્યો છે જેમાં વલસાડમાં 33.70 ઈંચ, નવસારીમાં 25 ઈંચ અને ડાંગમાં 40 ઈંચ વરસાદ થયો છે. વળી, કપરાડા તાલુકામાં સૌથી વધુ 43.77 ઈંચ, ઉમરગામ તાલુકામાં 36.81 ઈંચ, ખેરગામમાં 34.76 ઈંચ અને વાપીમાં 34.13 ઈંચ વરસાદ વરસ્યો છે.