



હરિપ્રસાદ સ્વામીજીએ જીવનની પ્રત્યેક પળને ગુરૂહરિ યોગીજી મહારાજ પ્રત્યેની ભકિતનો અર્ધ્ય અર્પણ કરવામાં જ વિતાવી હતી અને ભૂખ-તરસ, ટાઢ-તડકો, રાત-દિવસ, ઠંડી ગરમી એવા કોઇપણ પરિબળો તેઓશ્રીની નજરમાં આવ્યા જ નથી. સ્વામીજીએ હંમેશા એક જ સ્વાર્થ રાખ્યો હતો. બીજાને સુખી કરવાનો સ્વાર્થ પોતે કાયમ આદર્શ જીવન જીવીને વર્તન દ્વારા અન્યને માટે આદર્શનું નિર્માણ કર્યુ.
સ્વામીજીએ પોતાની સામે આવેલ દરેક વ્યકિત પ્રભુનું સ્વરૂપ છે એવા ભાવથી સ્વીકારી, જીવનની પ્રત્યેક પળને પ્રભુવાસિત બનાવી. સ્વામીજીએ થાકેલા, હારેલા, નિરાશ લોકોના જીવનમાં આશા-ઉત્સાહ અને આનંદનો સંચાર કર્યો. તેઓએ વ્યકિત, પરિવાર, સમાજ અને રાષ્ટ્રની સેવા માટે તત્પર એવા મંદિરસમ હજારો યુવાનોની સમાજને ભેટ આપી છે. કોઇ આત્મીય બને કે ન બને હે પ્રભુ ! મારે આત્મીય બનવું છે, હરિપ્રસાદ સ્વામીજીએ આપેલો આ જીવનમંત્રી આત્મીય સમાજની આગવી ઓળખ બની રહ્યો છે. હરિપ્રસાદ સ્વામીજીના પ્રેમે લાખો લોકોની જીવનનૈયાને નવો વળાંક આપ્યો છે. સંસ્કૃતિ અને સંસ્કારના ક્ષેત્રે નૂતન ક્રાંતિ સર્જી છે.
સ્વામીજીએ સંપર્કમાં આવેલા સહુના જીવનમાં વ્યકિતગત રસ લીધો છે. સમસ્યા આર્થિક હોય, સામાજીક હોય, માનસિક હોય કે આધ્યાત્મિક સામેની વ્યકિત નાની હોય, મોટી હોય, ગરીબ હોય કે અમીર, સ્વામીજીએ કોઇ ભેદભાવ રાખ્યા વગર એ સમસ્યાઓના નિરાકરણ માટે રસ લીધો એ જ કારણે સૌનેય સ્વામીજી મારા છે એવી અનુભૂતિ થતી. પરમ પૂજય હરિપ્રસાદ સ્વામીજી તમામ ધર્મ, સંપ્રદાય અને પરંપરાઓનો આદર આપતા વિવિધ પરંપરાના સંતો-મહાનુભાવોને તેઓશ્રીની સાથે આગવી આત્મીયતા હતી. બ્રહ્મલીન સદગુરૂ સ્વામીશ્રી સત્યમિત્રાનંદજી મહારાજ તો તેઓને આત્મીય સમ્રાટ કહીને બિરદાવતા.
હરિપ્રસાદ સ્વામીજી કહેતા મનને બચાવવા પાંચ ધર્મપ્રેરીત ઉપાયો છે ભકિત, સત્સંગ સદવિચાર, સદવર્તન અને શ્રધ્ધા પૂજાના વિધિ-વિધાન ભલે ગમે તે હોય, અનુસંધાન ભગવાન સાથે હોય એ ભકિત હું જે ક્રિયા કરૂં છું તે પ્રભુ માન્ય છે ? આવો વિચાર આવેએ પ્રભુ સાથેનું અનુસંધાન આવું અનુસંધાન સધાય એટલે નુકસાન કરે તેવી બાબતોથી પ્રભુ જ આપણને દુર રાખે. આવી ભકિત આપણને સત્સંગની દિશા બતાવે. સત્પુરૂષ સાથે મૈત્રી કરાવે. આ મૈત્રી સદવિચાર પ્રગટાવે. આ સદવિચારની અભિવ્યકિત એટલે સદવર્તના.