



યોગી ડિવાઈન સોસાયટીના પ્રણેતા અને પરમાધ્યક્ષ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે સોમવારે રાતે 11 વાગે અક્ષરધામગમન કરતા સમગ્ર સત્સંગ સમાજમાં ભારે શોકની લાગણી પ્રસરી છે. સ્વામીજીએ ઈ.સ.1971માં પોતાના યુગકાર્યનો પ્રારંભ કર્યો હતો. આમ યુગકાર્યના સુવર્ણજયંતી વર્ષમાં તેમણે વિદાય લીધી છે. તેમણે 1965માં દીક્ષા લીધા બાદ 56 વર્ષના સત્સંગકાળમાં 5 હજારથી વધુ શિબિરો યોજી યુવાઓને વ્યસન મુકત બનાવ્યા હતા.મંગળવારે વહેલી સવારથી હરિધામ સોખડા ખાતે સ્વામિનારાયણ મંદિર બહાર હરિભક્તોનો જમાવડો શરૂ થયો હતો. ભક્તોની સંખ્યા વધતાં પોલીસ અને મંદિરના અનુયાયીઓએ રોડની બાજુમાં શિસ્તબદ્ધ રીતે ઊભા રહે તે માટેની વ્યવસ્થા કરી હતી. જ્યાં કલાકો સુધી ઊભાં રહેલાં મહિલા ભક્તોએ આંસુઓની સરવાણી સાથે સતત સ્વામિનારાયણ ભગવાનની સ્તુતિ કરી સ્વામીજીના દર્શન કર્યા હતા.
સ્વામીજીના નશ્વર દેહને ચાર દિવસ મંદિર પરીસરમાં ભક્તોના દર્શન કરવા માટે મુકવામાં આવશે.જેમાં દેશ-વિદેશના 2 લાખ જેટલા ભક્તો ચાર દિવસમાં દર્શન કરશે. આ ઉપરાંત ભક્તો ઓનલાઈન દર્શન પણ કરી શકશે. હરિધામ સોખડાના કોઠારી સ્વામી પ્રેમસ્વરૂપદાસજી મહારાજે જણાવ્યું હતું કે,હરિપ્રસાદ સ્વામીજીને ગત ફેબ્રુઆરી મહિનાથી જ કિડનીની બિમારી હતી. જેના પગલે 25 જુલાઈના રોજ ડાયાલીસીસના કરાવતા હરિપ્રસાદ સ્વામીજીની તબિયત નરમ થઈ હતી,જેથી તેમને 26 જુલાઈના રોજ સાંજે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા સ્વામીજીએ રાતે 11 કલાકે નશ્વર દેહનો ત્યાગ કર્યો હતો.
કોઠારી સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે, હજુ બે દિવસ પહેલા જ ગુરૂપુર્ણિમાંએ સંતોએ પૂજનનો લાભ લીધો હતો. સ્વામીજીએ નશ્વરદેહનો ત્યાગ કરી દેતા ભક્ત સમુદાય પર વ્રજઘાત થયો છે. હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહના દર્શન કરવા માટે મેયર,સ્ટેન્ડીંગ ચેરમેન,ભાજપ શહેર પ્રમુખ,કાઉન્સીલરો સહિતના રાજકીય લોકો સ્વામીજીના દર્શન કરવા હોસ્પિટલ પહોચ્યાં હતાં. બીજી તરફ મંગળવારે સવારે 6 વાગ્યાથી અશ્રુભીની આંખો સાથે ભક્તો શિસ્તબધ્ધ રીતે લાઈનમાં ઉભા રહ્યાં હતાં. 6 કલાક સુધી ભુખ્યા-તરસ્યા રસ્તા પર ઉભા રહ્યા બાદ આખરે બપોરે 12:50 મીનીટે ફુલોથી શણગારેલી એમ્બ્યુલન્સમાં સ્વામીજીનો નશ્વર દેહને મુકવામાં આવ્યો હતો. 19 કિમીના રૂટ પર 10 હજાર થી વધુ ભક્તો રસ્તાની એક તરફ ઉભા રહી સ્વામીજીના નશ્વર દેહના દર્શન કર્યાં હતાં. સ્વામીજીના નશ્વર દેહને લઈને એમ્બ્યુલન્સ મંદિરના ગેટ પર પહોચતા જ ત્યાં હાજર ભક્તો રીતસર રસ્તા પર દંડવત પ્રણાણ કર્યાં હતાં, 28 જુલાઈ થી 31 જુલાઈ સુધી મંદિર પ્રાંગણમાં જ હરિપ્રસાદ સ્વામીજીના ભક્તો અંતિમ દર્શન કરી શકશે.આખરે અક્ષર દેરી સામેના લીમડા વન ખાતે 1 ઓગષ્ટના રોજ બપોરે 2:30 કલાકે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.મંદિરમાં અક્ષર દેરી આવેલી છે,જેમાં તેમની ગુરૂ પરંપરા પધરાવી છે. હરીપ્રસાદ સ્વામીજી કાયમ એવું કહેતા હતાં કે, મને અક્ષર ડેરી એ રાખજો જેથી અક્ષર દેરીની સામે જ લીમડા વન ખાતે તેમના અંતિમ સંસ્કાર કરાશે.અને ત્યાર બાદ ત્યાં જ તેમને આ સ્થળ પર પધરાવાશે.