



કોરોના સંક્રમણ અને મહામારીના સમયમાં સરકાર દ્વારા મૂકવામાં આવેલા નિયંત્રણોના કારણે ભાવિક ભક્તો તેમના ભગવાનના દર્શન રૂબરૂ કરી શકતા નથી પરંતુ ઓનલાઇન દર્શન કરવાની શરૂ કરવામાં આવેલી પ્રણાલિકાના કારણે એક જ મહિનામાં વિશ્વના 47 દેશોના 6.50 કરોડ ભક્તોએ ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં શિવજીના દર્શન કર્યા છે.
ગુજરાતમાં સોમનાથ, દ્વારકા અને અંબાજી સહિતના યાત્રાધામોમાં ઓનલાઇન દર્શન અને આરતીનો લાભ લેવા માટે ભાવિકોને સુવિધા કરી આપવામાં આવી છે. સોમનાથ મંદિરના પ્રાપ્ત આંકડા પ્રમાણે એક જ મહિનામાં આ મંદિરમાં 6.50 કરોડ ભક્તોએ દર્શનનો લાભ લીધો છે. આ આંકડો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આવી જ રીતે ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં પણ દર્શન અને આરતીની ઓનલાઇન વ્યવસ્થા કરવામાં આવી છે. મહામારીના સમયમાં જે ભાવિકો મંદિરમાં જઇ શક્યા નથી તેવા લાખો ભાવિકોએ ઓનલાઇન દર્શન કર્યા છે. અંબાજી ટ્રસ્ટના સૂત્રો કહે છે કે જેવી રીતે સોમનાથમાં ભક્તોએ દર્શન કર્યા તેવી રીતે અમારી સોશ્યલ સાઇટ્સ પર પણ અંબાજી માતાના ભક્તોએ દર્શન અને આરતીનો લાભ લીધો છે.
સોમનાથ ટ્રસ્ટના સૂત્રોએ કહ્યું હતું કે મંિ’રની સોશ્યલ સાઇટ્સ પર દર મહિને પાંચ થી છ કરોડ ભાવિકો દર્શનનો લાભ લઇ રહ્યાં છે.