



સુરત,અમદાવાદ સહિત મહાનગરોમાં પાર્કિંગ પોલીસ અમલવારીના તબક્કામાં છે ત્યારે રાજકોટમાં બે વર્ષ પહેલા પાર્કિંગ પોલીસી બાયલોઝ સાથે મનપાએ તૈયાર તો કરી છે પરંતુ, વિવાદ વંટોળ ટાળવા અધિકારીઓએ આ પોલીસીની ફાઈલ બે વર્ષથી અભેરાઈએ ચડાવી ચડાવી દીધા બાદ હવે તેના અમલની દિશામાં કાર્યવાહી હાથ ધરાઈ છે.આ પોલીસી હેઠળ જાહેર રસ્તા પર પાર્ક વાહનો પાર્ક કરવા લોકોએ ચાર્જ ભરવો પડશે જે વર્ષે હજારો રૂ।.નો હશે.
જો કે, મનપા સત્તાધીશો રહેણાંક વિસ્તારમાં ઘર પાસે પોતાની કાર પાર્ક કરનારા પાસેથી ચાર્જ લેવાના મૂડમાં નથી, આ સામે લોકોનો ઉગ્ર વિરોધ પણ થયો છે પરંતુ, યાજ્ઞિાકરોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, મવડી રોડ, સહિતના ૪૮ રાજમાર્ગો કે જ્યાં રસ્તા પર મોટરકારથી માંડીને ટ્રક,બસો સહિતના ફોર વ્હીલના પાર્કિંગથી સતત રસ્તો રોકાયેલો રહે છે ત્યાંથી ચાર્જ વસુલવાની શરૂઆત કરાય તેવી સંભાવના મનપા અધિકારીઓ સાથેની વાતચીત પરથી જણાઈ છે. મહાપાલિકાએ ઓફ સ્ટ્રીટ પાર્કિંગ માટે પણ ચાર્જ સૂચવ્યા છે જ્યારે રોડ પરના પાર્કિંગ માટે વધુ ચાર્જ સૂચવ્યો છે. (૧) રિક્ષા માટે ત્રણ કલાકના રૂ।.૧૫-૨૦થી થી ૨૪ કલાકના રૂ।.૫૦-૬૦ (૨) એ જ રીતે કાર માટે રૂ।.૨૦-૨૫થી થી ૬૦ -૭૦ જ્યારે (૩) મીની બસ સહિતના વાહનો માટે રૂ।.૩૦થી ૮૦ અને (૪) ટ્રક,બસ,ટ્રેક્ટર જેવા વાહનો માટે રૂ।.૪૦થી ૧૦૦નો દૈનિક ચાર્જ ચૂકવાયો છે. જ્યારે વર્ષે કાર માટે રૂ।.૧૪,૬૦૦ અને ભારે વાહનો માટે રૂ।.૨૧૯૦૦ અને રૂ।.૨૫૫૦૦નો ચાર્જ ચૂકવાયો હતો.
સરકારની છૂટછાટોના કારણે સાંકડી શેરીમાં બેફામ રીતે એપાર્ટમેન્ટ બન્યા છે, હજુ બની રહ્યા છે તો ઈમ્પેક્ટ ફીમાં અનેક લોકોએ પાર્કિંગ-માર્જીનના બાંધકામો રેગ્યુલરાઈઝ્ડ કરાવ્યા છે તો મનપાની ઢીલી નીતિરીતિને કારણે પાર્કિંગ જગ્યા ખુલ્લી રખાતી નથી. આ કારણે શહેરમાં કોઈ રહેણાંક કે કોમર્શીયલ સ્થળે મોટરકારથી માંડીને ટુ વ્હીલરો રસ્તા પર જ પાર્ક થાય છે અને ત્યાં રખાયેલા ચોકીદારો રસ્તા પર વાહનો પાર્ક કરાવે છે.
બીજી તરફ મોટરકારના વધતા ચલણના કારણે શહેરના શોરૂમ,કારખાના વગેરે માલિકો, મોટાભાગના સરકારી-ખાનગી નોકરિયાતો વ્યક્તિગત કારમાં જ આવ-જા કરે છે, અનેક લોકો ફરવા માટે કે બહાર ફાસ્ટફૂડ ખાવા જવા પણ કારનો જ ઉપયોગ કરે છે અને પાર્કિંગની જગ્યાના અભાવે રસ્તા પર વાહનોની કાયમી કતારો જોવા મળે છે. તો પોલીસ અને મનપા તંત્ર દ્વારા એક તરફ શહેરના સાંકડા તથા ધમધમતા માર્ગોને દબાણમુક્ત રખાતા નથી અને બીજી તરફ આવા માર્ગો પર ટુ વ્હીલર કે ફોર વ્હીલર કે છકડો રિક્ષા સહિતના વાહનો અને યુનિ.રોડ જેવા ટ્રાફિક જામના માર્ગ પર તો મોટી બસોને પણ અવરજવરની,પાર્કિંગની મુક છૂટ આપી દેવાઈ છે. જે કારણે શહેરમાં ટ્રાફિકની સાથે પાર્કિંગનો ગંભીર પ્રશ્ન છે.