



ગુજરાતમાં અનેક ઔદ્યોગિક અને શૈક્ષણિક પ્રકલ્પોમાં યોગદાન માટે જાણીતા વિક્રમ સારાભાઈનાં બહેન ગિરા સારાભાઈનું નિધન થયું છે. તેઓ 98 વર્ષનાં હતાં. ગિરા સારાભાઈ આર્કિટેક્ટ, ડિઝાઈનર અને શિક્ષક હતાં. ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે તેમનું અનેરું યોગદાન છે. વિક્રમભાઈ સારાભાઈના નિધન બાદથી સેવાભાવી ટ્રસ્ટ સારાભાઈ ફાઉન્ડેશનના પ્રતિનિધિ તરીકે ગિરા સારાભાઈએ ફરજ બજાવી હતી.ઈ.સ. 1923ના રોજ ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈ અને રેવા (સરલાદેવી સારાભાઈ નામ રાખી લીધું)ના ઘરે ગિરા સારાભાઈનો જન્મ થયો હતો. તેઓ 8 ભાઈ-બહેનમાં સૌથી નાનાં હતાં. તેમના ભાંડેળાંઓ સાથે ગિરા સારાભાઈને પણ ઘરે જ શિક્ષણ મળ્યું હતું, પોતાના સંપૂર્ણ અભ્યાસકાળ દરમિયાન તેઓ ક્યારેય શાળાએ ભણવા નહોતાં ગયાં. બાળપણમાં જ તેઓ પોતાના પરિવાર સાથે ન્યૂયોર્ક સ્થળાંતરિત થઈ ગયાં હતાં.1960ના દાયકામાં અમદાવાદ ખાતે નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ડિઝાઈન (NID)ની સ્થાપના માટે પોતાના ભાઈ ગૌતમ સારાભાઈ સાથે ગિરા સારાભાઈની નિર્ણાયક ભૂમિકા રહી. તેમણે સંસ્થાના શૈક્ષણિક મોડેલ ઉપર વિચારણા કરવા સારાભાઈ કેન્દ્ર મ્યૂઝિયમ ખાતે દશરથ પટેલ, જેમ્સ પ્રેસ્ટિની અને વિક્રમ સારાભાઈ જેવા નિષ્ણાંતો સાથે નિયમિત પરામર્શ કર્યા. જે બાદ ગૌતમ સારાભાઈ અને ગિરા સારાભાઈના માર્ગદર્શન હેઠળ ભારતમાં પ્રશિક્ષિત ડિઝાઈનર્સની પ્રથમ બેચ સ્નાતક થઈ હતી. 1949માં તેમણે ભાઈ ગૌતમ સાથે મળીને કાલિકો મ્યૂઝિયમ ઑફ ટેક્સટાઈલની સ્થાપના કરી હતી.