



રાજકોટમાં કેટલાક લોકોને વગર સેમ્પલ આપ્યે કોરોનાના આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટના મેસેજ મળ્યા છે.રાજકોટના ગોવિંદ ગ્રીન સીટી વિસ્તારમાં કેટલાક લોકોએ ધન્વંતરિ રથમાંથી કોરોનાની દવા લીધી હતી. આ વખતે તેમની પાસેથી આધાર કાર્ડ અને મોબાઈલ નંબર મંગાયા હતા. થોડા સમય બાદ આમાંથી કેટલાક લોકોને તેમના આરટીપીસીઆર ટેસ્ટ નેગેટીવ હોવાના મેસેજ મળવા લાગ્યા હતા. ત્યારે લોકોને સહજ સવાલ થયો હતો કે સેમ્પલ આપ્યા વગર તેમના રિપોર્ટ નેગેટીવ કેવી રીતે આવવા લાગ્યા? રાજકોટ નગરપાલિકાએ આ સમગ્ર મામલે 4 લોકોને નિલબિંત કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર 1 તબિબ સહિત 4 લોકો સામે કાર્યવાહી કરાઈ છે. રાજકોટ મહાનગર પાલિકાએ સેમ્પલ લીધા વગર આરટીપીસીઆર ટેસ્ટને લઈને ધુપ્પલ આચરનારા આ 4 કર્મચારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. આ તમામ કર્મચારીઓ કરાર આધારિત કામ કરતા હતા. કોરોના જેવા ગંભીર મામલે પણ જો આ પ્રકારના કૌભાંડ થતા હોય તો હવે સરકારને સમયસર જાગવાની જરૂર છે અને લોકોને પણ સજાગ રહેવાની આવશ્યકતા છે. હવે જોવાનું એ રહે છે કા આ કૌભાંડના તાર ક્યાં જઈને અટકે છે?