



કોરોનાના મોટાભાગના લક્ષણો હોવા છતાંય RT-PCR નેગેટિવ આવતો હોય તેવું ઘણીવાર જોવા મળ્યું છે. જોકે, તેનો નવો સ્ટ્રેન દેખાયા બાદ બેંગલુરુની એક સરકારી હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં એવા આઠ કેસ સામે આવ્યા છે કે જેમાં દર્દીઓને તમામ લક્ષણો હોવા છતાંય તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, અને આખરે તેમનો સિટી સ્કેન કરાતા તેમનાં ફેફસાંમાં ઈન્ફેક્શન હોવાનું કન્ફર્મ થયું હતું. જેમાંથી બે દર્દીઓના તો મોત પણ થયા છે.
હોસ્પિટલના સત્તાધીશોનું માનીએ તો આટલા ટૂંકાગાળામાં આટલી મોટી સંખ્યામાં RT-PCR રિપોર્ટમાં કોરોના ના પકડાયો હોય તેવું પહેલા નથી બન્યું. તમામ 8 દર્દીઓને કોરોનાના પરંપરાગત લક્ષણો હતા, અને તેમને હોસ્પિટલમાં એડમિટ પણ કરવા પડે તેવી સ્થિતિ હતી. જોકે, RT-PCRમાં ખોટું નિદાન થતાં આખરે તેમના સિટી સ્કેન કરાયા હતા, જેમાં ઈન્ફેક્શન ડિટેક્ટ થયું હતું. જોકે, તેમાંથી બે દર્દી મોતને ભેટ્યા હતા સરકારી હોસ્પિટલોમાં પોઝિટિવ પેશન્ટના રેન્ડમ સેમ્પલ લઈને તેમને જિનોમ સિક્વન્સિંગ માટે મોકલાતા હોય છે. જોકે, આ આઠ દર્દીઓને લાગેલું ઈન્ફેક્શન વાયરસના અલગ વેરિયંટનું છે કે કેમ તે જાણવા તે તમામનું જિનોમ સિક્વન્સ કરાવવું જરુરી છે. જે દર્દીને RTPCRમાં કોરોના ડિટેક્ટ ના થાય તેનું સિટી સ્કેન કરાય છે. જો તેમાં ઈન્ફેક્શન દેખાય તો વ્યક્તિને કોવિડ પેશન્ટ ગણી તેની તે અનુસાર સારવાર કરાય છે.