



લદ્દાખમાં છેલ્લા એક વર્ષથી ચીન સાથે વિવાદ ચાલી રહ્યો છે, એવામાં બન્ને દેશોના વિદેશ પ્રધાન દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. આ બેઠક એવા સમયે યોજાઇ હતી જ્યારે દલાઇ લામાના જન્મ દિન નિમિત્તે ભારતના ડેમચોક વિસ્તારમાં ચીની સૈનિકો ઘુસ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. જોકે આ રિપોર્ટને ભારતીય સૈન્ય દ્વારા નકારાયા છે.
તજાકિસ્તાનની રાજધાની દુશાંબેમાં યોજાયેલી આ બેઠકમાં બન્ને દેશોના વિવાદો પર ચર્ચા થઇ હતી. ભારત તરફથી બેઠકમાં સામેલ થયેલા વિદેશ મંત્રી એસ જયશંકરે ચીનના વિદેશ પ્રધાન વાંગ યીની સાથે લદ્દાખમાં જારી વિવાદો પર ચર્ચા કરી હતી. આ બેઠક આશરે એક કલાક સુધી ચાલી હતી. જેમાં ભારત અને ચીન બન્ને વરિષ્ઠ સૈન્ય કમાંડરોની વચ્ચે બેઠક યોજવા માટે પણ સહમત થયા હતા. બીજી તરફ અહેવાલો મુજબ જયશંકરે ચીનને આકરા શબ્દોમાં કહ્યું હતું કે એલએસી પર યથાસ્થિતિનું એક તરફી પરિવર્તન સ્વીકાર્ય નથી. બન્ને દેશો વચ્ચેના સંબંધ ત્યારે જ મજબૂત થઇ શકે જ્યારે સરહદી વિસ્તારોમાં શાંતિની પૂર્ણ બહાલી અને તેને બરકરાર રાખવી અતી જરુરી છે.
એટલે કે ભારતે ચીનને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ છે કે બન્ને દેશો વચ્ચે વાતચીત ત્યારે જ આગળ વધી શકે જ્યારે ચીન સરહદે શાંતિ જાળવી રાખે. બીજી તરફ એવા અહેવાલો છે કે દલાઇ લામાના જન્મ દિનની ઉજવણી નિમિત્તે જ ચીને ભારતીય સરહદે અટકચાળો કર્યો હતો.
જોકે આ અહેવાલોને ભારતીય સૈન્ય દ્વારા ફગાવવામાં આવ્યા હતા. ભારતીય સૈન્યએ કહ્યું છે કે તાજેતરમાં ચીન સાથે કોઇ પણ મામલે વિવાદ નથી થયો. સાથે એવો પણ દાવો કરાયો છે કે બન્ને દેશોનું સૈન્ય સરહદે હાલ ઘણા દિવસથી શાંતિની સ્થિતિમાં છે. જ્યારે ચીન સૈન્યની દરેક ગતીવીધી પર નજર રાખવામાં આવી રહી છે.