



ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી રહી છે. કોરોના સંકટના કારણે આ વખતે પણ શ્રદ્ધાળુઓને યાત્રામાં સામેલ થવાની મંજૂરી નથી આપવામાં આવી. ફક્ત મંદિર પરિસર સાથે સંકળાયેલા લોકો અને અન્ય કેટલાક લોકોને જ રથયાત્રામાં સામેલ થવાની મંજૂરી અપાઈ છે.
અમદાવાદમાં સોમવારે સવારે રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભગવાન જગન્નાથના રથ સામે સોનાના ઝાડુ વડે સફાઈ કરી હતી. અમદાવાદમાં જે રૂટ પર રથયાત્રા નીકળવાની છે ત્યાં કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવેલો છે. અમદાવાદમાં જગન્નાથ રથયાત્રાનો સંપૂર્ણ રૂટ આશરે 13 કિમીનો છે. સામાન્ય રીતે આ યાત્રા પૂર્ણ થતા 10 કલાકનો સમય લાગે છે પરંતુ કોવિડ કાળમાં શ્રદ્ધાળુઓને હાજર રહેવાની મંજૂરી ન અપાઈ હોવાથી રથયાત્રા 4-5 કલાકમાં પૂર્ણ થઈ શકે છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ આ દરમિયાન અમદાવાદમાં ઉપસ્થિત છે. અમિત શાહે સોમવારે સવારે મંગળા આરતીમાં ભાગ લીધો હતો. સવારે 4:00 કલાકે આરતી દરમિયાન અમિત શાહ પોતાના પરિવાર સાથે હાજર રહ્યા હતા અને તેમણે ભગવાન જગન્નાથની પૂજા કરી હતી. અમિત શાહે આ નિમિત્તે ટ્વીટમાં લખ્યું હતું કે, જગન્નાથ રથયાત્રાના શુભ અવસર પર હું અમદાવાદના જગન્નાથ મંદિરમાં અનેક વર્ષથી મંગળા આરતીમાં ભાગ લઈ રહ્યો છું અને દરેક વખતે અહીં એક અલગ ઉર્જાની પ્રાપ્તિ થાય છે.