



રાજકોટમાં અશાંતધારાના અમલીકરણ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રકાશ સોસાયટી સહિત વધુ એક ડઝન સોસાયટીમાં મિલ્કતના ખરીદ-વેચાણ માટે હવે કલેકટરની મંજુરી લેવી ફરજિયાત કરવામાં આવી છે.શહેરની અનેક ક્રીમ સોસાયટી અશાંતધારામાં આવરી લેવામાં આવતા વિરોધ થવાની પ્રબળ શકયતા સર્જાઈ છે.
સીટી સર્વે કચેરીના સર્વેયરો દ્રારા કરવામાં આવેલા પ૦૦ મીટરના સર્વેમાં પ્રકાશ સોસાયટી,પારસ સોસાયટી, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર (પાર્ટ), કોટેચા ચોક (પાર્ટ), જનતા સોસાયટી (પાર્ટ), ૧૫૦ ફૂટ રીંગ રોડ (પાર્ટ), રેસકોર્ષ (પાર્ટ), રેડીયો કોલોની, પ્રેસ કોલોની, રેલ નગર (પાર્ટ), પોલીસ કમિશ્નર બંગલો, એ.જી. ઓફીસ, એ.જી. સ્ટાફ કર્વાટર, ડીડીઓનો બંગલો, ડીસીપી-જેસીપીનો બંગલો, અધિક નિવાસી કલેકટરનો બંગલો સહિતનો વિસ્તારનો સમાવેશ થાય છે. અશાંતધારો લાગુ કરવામાં આવ્યા બાદ ૫૦૦ મીટરની ત્રિજયામાં આવતા વિસ્તાર માટે સર્વેયરો દ્રારા ૬ મહિના સુધી સર્વે કરી સોસાયટીઓની બોર્ડર અને હદ નકકી કરવામાં આવી છે પ૦૦ મીટરની ત્રિજયામાં મુખ્યમંત્રીનું નિવાસ સ્થાન આવેલ છે તે પ્રકાશ સોસાયટી સહિતની એક ડઝનથી વધુ સોસાયટીમાં હવે કલેકટરની મંજુરી વગર મિલ્કતની ખરીદ-વેચાણ નહી થઈ શકે. રાજકોટમાં ૧૩ જાન્યુઆરીએ સૌ પ્રથમ વખત ૨૮ સોસાયટીઓમાં અશાંતધારો લાગું કરવામાં આવતા આ વિસ્તારમાં મિલ્કતોની ખરીદ વેચાણ માટે કલેકટરની પૂર્વ મંજુરી ફરજિયાત કરવામાં આવી છે અને આ સોસાયટીથી ૫૦૦ મીટરની ત્રિજયામાં અશાંતધારો લાગું કરવા કલેકટરે સીટી સર્વે કચેરીને સર્વે કરવાના આદેશ આપ્યા હતા.તે સર્વેનું કામ હવે પૂર્ણ થયું છે અને જે વિસ્તાર અશાંતધારામાં સમાવેશ થાય છે તેની જાહેરાત કરવામાં આવી છે