



આવનારા દિવસોમાં કેન્દ્રિય કેબિનટનું વિસ્તરણ થઈ શકે છે. જેને લઈને આજે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને બેઠક યોજાશે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથસિંહ, નિર્મલા સિતારમણ, ધર્મેન્દ્ર પ્રધાન, પીયુષ ગોયલ, પ્રહલાદ જોષી અને નરેન્દ્ર તોમર સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનિય છે કે થોડા દિવસો પહેલા પીએમ મોદીએ તમામ મંત્રાલયો પાસેથી કામકાજનો રિપોર્ટ માંગ્યો હતો.કેબિનેટ વિસ્તરણ આ અઠવાડીયામાં જ થઈ શકે છે. હાલમાં મંત્રી મંડળમાં 53 મંત્રીઓ સામેલ છે. સંભાવના છે કે આવનારા સમયમાં 20 થી 22 નવા મંત્રીઓ શપથ લઈ શકે છે. ત્યારબાદ આ સંખ્યા વધીને 81 સુધી થઈ શકે છે. આ ઉપરાંત એનડીએ ગઠબંધનના સહયોગી પક્ષો જેડીયુ, એલજેપી અને અપના દલના ક્વોટાથી મંત્રીઓ શપથ લઈ શકે તેવી પણ સંભાવના છે રાજ્યવાર વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશથી ત્રણ નવા મંત્રીઓને કેબિનેટમાં જગ્યા મળી શકે છે. અપના દલથી અનુપ્રિયા પટેલ તેમજ બિહારથી બે થી ત્રણ મંત્રીઓ શપથ લઈ શકે છે. આ ઉપરાંત મધ્યપ્રદેશથી એક થી બે, મહારાષ્ટ્રથી પણ બે મંત્રીઓ સામેલ થઈ શકે છે. સૌથી મોટી વાત એ છે કે જમ્મુ કશ્મીર અને લદાખથી પણ એક-એક મંત્રી શપથ લઈ શકે છે. આ સિવાયના રાજ્યોની વાત કરીએ તો રાજસ્થાનથી એક, અસમથી એક થી બે અને પશ્ચિમ બંગાળના બે નેતાઓને કેબિનેટમાં જગ્યા મળી શકે છે.