



એલોપેથી પર વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા પછી બાબા રામદેવની મુસીબતો પૂરી થતી લાગતી નથી. જુદા-જુદા રાજ્યોમાં ડોક્ટરો દ્વારા તેમના પર કેસ કરવામાં આવ્યો છે.તેમાથી રાહત મેળવવા માટે બાબા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે.
તેમણે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં વિનંતી કરી છે કે અલગ-અલગ રાજ્યોમાં તેમની સામે કરવામાં આવેલી એફઆઇઆરને રોકવામાં આવે અને બધા કેસને દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવે.
હવે દિલ્હી મેડિકલ એસોસિયેશન (ડીએમએ)એ તેમા ઝંપલાવવાનું મન બનાવી લીધું છે. દિલ્હી મેડિકલ એસોસિયેશને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કે બાબા રામદેવ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં તેમને પણ પક્ષકાર બનાવવામાં આવે. અરજીમાં ડીએમએે જણાવ્યું છે કે આ કેસમાં સ્વામી રામદેવને કોઈ રાહત ન આપવામાં આવે.
દિલ્હી મેડિકલ એસોસિયેશને પોતાની અરજીમાં જણાવ્યું છે કે બાબા રામદેવે કોરોના વેક્સિન સામે ખોટો પ્રોપગેન્ડા ફેલાવ્યો છે. તેની સાથે તેણે કેન્દ્ર દ્વારા સ્વીકૃત કોવિડ સારવાર માટે પણ જૂઠો પ્રચાર કર્યો છે. અરજીમાં કહેવાયું છે કે બાબા રામદેવ દ્વારા જૂઠો પ્રચાર પતંજલિ કંપની દ્વારા બનાવાયેલી કોરોનિલ, શ્વાસારી વટી, અણુતેલ વેચવા માટે કર્યો છે.
અરજીમાં મેડિકલ એસોસિયેશને સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે બાબા રામદેવ પાસે સમર્થકોની મોટી સંખ્યા છે અને તેના પર તેમનો મોટો પ્રભાવ છે. તેમણે પોતાના નિવેદનો દ્વારા કોરોનાના રોગચાળાન સારવારના સંદર્ભમાં ભ્રાંતિ ફેલાવી છે, જેથી કોરોના રોગચાળાને અટકાવતી સારવાર પ્રભાવિત થઈ છે. આ ઉપરાંત છત્તીસગઢમાં રાયપુર અને બિહારમાં પટણા ખાતે યોગગુરુ સામે કેસ દાખલ કરાયો છે, તેમા બાબા પર આરોપ લગાવવામાં આવ્યો છે કે કોરોનાની સારવારમાં અપાતી એલોપેથિક દવાઓ અંગે તેમણે ભ્રમ ફેલાવ્યો છે.