



ફિલિપાઈન્સ એરફોર્સના વિમાન સી-૧૩૦એ રવિવારે દક્ષિણી પ્રાંતમાં ઉતરાણનો પ્રયાસ કરતાં વિમાન તૂટી પડયું હતું, જેમાં ૪૫ લોકોનાં મોત નીપજ્યાં હતા. જોકે, ૫૦થી વધુને વિમાનના કાટમાળમાંથી બચાવી લેવાયા હતા. વિમાન કેટલાક ગામવાસીઓ પર તૂટી પડયું હતું. મૃતકોમાં ૪૨ સૈનિકો સહિત ત્રણ નાગરિકોનો પણ સમાવેશ થાય છે. સંરક્ષણ મંત્રી ડેલ્ફિન લોરેન્ઝાનાએ કહ્યું હતું કે, બચાવ અને રાહત કામગીરી હજી ચાલુ છે. આ વિમાન અંદાજે ૯૨ સૈનિકોને લઈ જઈ રહ્યું હતું, જેમાં ત્રણ પાઈલટ અને પાંચ ક્રૂનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં પાઈલટ્સ બચી ગયા છે, પરંતુ તેમને ગંભીર ઈજા થઈ છે.
લોકહીડ સી-૧૩૦ હર્ક્યુલસ અમેરિકન એરફોર્સના બે જૂના વિમાન હતા, જે આ વર્ષે સૈન્ય સહાયના ભાગરૂપે ફિલિપાઈન્સને અપાયા હતા. ફિલિપાઈન્સના સુલુ પ્રાંતમાં પર્વતીય શહેર પાટિકુલન ખાતે બંગકાલ ગામમાં રવિવારે બપોરે એરફોર્સનું આ વિમાન તૂટી પડયું હતું તેમ ચીફ ઓફ સ્ટાફ જનરલ સિરિલિટો સોબેજાને જણાવ્યું હતું.
સૈન્ય અધિકારીઓએ કહ્યું કે, વિમાનમાં સવાર ૫૦થી વધુ લોકોને બચાવી લેવાયા છે અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાકી સૈનિકોની શોધખોળ ચાલુ છે. ફિલિપાઈન્સ સૈન્યે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ દુર્ઘટનાના કેટલાક સાક્ષીઓના જણાવ્યા મુજબ વિમાન જમીન પર તૂટી પડે તે પહેલાં કેટલાક જવાનો વિમાનમાંથી કૂદી પડયા હતા. સૈન્યે અકસ્માત સ્થળના પ્રારંભિક ફોટોમાં કાર્ગો વિમાનના પાછળનો ભાગ દર્શાવ્યો હતો. વિમાનનો આગળનો ભાગ સળગી ગયો હતો અથવા અકસ્માતને પગલે વેરવિખેર થઈ ગયો હતો.