



(જાગૃતિ તન્ના-મોરબી-363641, મો. 9974215040)
સગવડ છે એટલી કે ગમે ત્યાં હસી શકો,
અગવડ છે એટલી કે ગમે ત્યાં રડાય ના ! -મરીઝ
મરીઝ સાહેબની આ પંક્તિઓ આપણા સમાજની સાચી વાસ્તવિકતા રજૂ કરે છે. કોઇપણ વ્યકિત ગમે ત્યાં હસી શકે પણ ગમે ત્યાં રડી ના શકે. કયારેક એમ થાય કે એવું કેમ ? આખરે છે તો બંને આપણા મનની લાગણીઓ જ ને ! જો એક ને જાહેરમાં વ્યકત કરી શકાય તો બીજાને કેમ નહીં ? છે તો બંને એક સિક્કાની બે બાજુઓ જ ને. તો પછી ભેદભાવ કેમ ? કેમ કોઇ વ્યકિત હજારોની ભીડમાં હસી શકે છે ? પણ રડવા માટે એકાંત શોધાતું હોય છે ! કદાચ એટલા માટે કારણ કે, આપણા સમાજમાં રડવાને નબળાઇ ગણવામાં આવે છે. ( સિાય કે કોઇ ગુજરી ગયું હોય અને જન્મેલા બાળકનું રડવું ) અને નબળાઇને બધાની સામે જાહેર ન કરાય, એને તો ગુપ્ત જ રખાય નહીં ??આપણે કેમ એ બાબતનો સ્વીકાર નથી કરી શકતા કે રડવું એનબળાઇ નથી, એ વાસ્તવિકતાનો સ્વીકાર છે. જયારે આપણે કોઇપણ બાબતના કારણે રડતા હોઇએ છીએ, (નહીં રડવું આવતું હોય છે, કેમ કે રડવું આપમેળે જ આવી જતું હોય છે, લાવવામાં નથીઆવતું ) ત્યારે આપણે આપણા જીવનમાં દુ:ખની વાસ્તવિકતાને સ્વીકારતા હોઇએ છીએ કે હા, મારા જીવનમાં આ બાબત બની છે અને મને એ બાબતથી દુ:ખ થયું છે, એટલે હું રડું છું, પણ મહત્વની બાબત આપણા વહી રહેલા આંસુઓને આપણી નબળાઇ બનાવવી કે આપણી હિંમત બનાવવી એ બાબત મહત્વની છે. એક યુવતીની વાત છે. તે યુવતીના લગ્નને થોડો જ સમય થયો હતો અને તેનો પતિ એક અકસ્માતમાં મૃત્યુપામ્યો, તેના પતિના શબને ઘરે લાવવામાં આવ્યું, બધી વિધિ ચાલતી હતી. આખું ઘર રડી રડીને શોકમય હતું પણયુવતી, તેને તો જાણે આ બધી વાતની કંઇ ખબર જ ન હોય તેમ જીવતી લાશ બનીને બેઠી હતી. જયારે તેના પતિના શબને અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવતો હોય છે, ત્યારે તેની મમ્મી આવીને તેને ઢંઢોળીને કહે છે, શું આમ સૂન બનીને બેઠી છે, તારો પતિ હવે નથી રહ્યો, તે જાય છે હંમેશ ને માટે અને તે યુવતીને રડાવવાનો પ્રયત્ન કરે છે, કેમ કે તેમને ડર હતો કે જો તે રડશે નહીં તો તે કદાચ આ આઘાતથી પાગલ બની જાય. તેમના પ્રયત્નોથી તે યુવતી પોતાના પતિના શબને વળગીને ખૂબ રડે છે. જેમ હસવું સહજ છે, તેમ રડવું પણ સહજ છે. ખબર નહીં કેમ આપણે રડવાને આટલું બધું ગુંચવણભર્યું બનાવી દેતા હોઇએ છીએ. એમાં પણ પાછું એવું કે સ્ત્રીઓ હજુ જાહેરમાં રડી શકે પણ પુરુષ ? ના રે ના પુરુષ થોડી રડી શકે જાહેરમાં ! તો તો એ પુરુષ થોડી કહેવાય ? શું જાહેરમાં રડવાથી પુરુષનું પુરુષત્વ ખતમ થઇ જાય ? કેવી ડબલ માનસિકતા છે. આપણા સમાજની. અરે ! સ્ત્રીની જેમ પુરુષમાં પણ ઇશ્ર્વરે લાગણીઓ આપેલી છે, તે લાગણીઓ પણ કયારેક ઘવાતી હોય છે.
પેલી લાઇન છે ને કે મર્દ કો કભી દર્દ નહીં હોતા. અને સ્ત્રી એ તો છે જ અબલા નારી ! એ તો રડી જ શે જાહેરમાં અને સ્ત્રી ને તો દર્દ થાય જ કેમ ? એટલે જ તો એ નવ મહિના સુધી વજન ઊંચકીને પ્રસૂતિની પીડા સહન કરી જતી હોય છે નહીં ?એમાં પાછા અમુક લોકો તો એમ કહે કે રડવું એ તો સ્ત્રીનો જન્મસિદ્ધ અધિકાર છે, નહીં ? હા, સ્ત્રીઓ રડી શકતી હોયછે, જાહેરમાં એટલે નહીં કે તેઓ કમજોર છે પણ એટલે કે તેમનામાં દુ:ખને સ્વીકારવાની તાકાત છે.
અરે ઘણા પુરુષો તો જાહેરમાં શું એકાંતમાં પણ નથી રડી શકતા હોતા, કદાચ પેલી મર્દ કો દર્દ નહીં હોતા વાળી લાઇન યાદ કરીને જ નહીં રડતા હોય, અને એટલા માટે જ કદાચ હાર્ટ એટેકના શિકારની સંખ્યાનો આંકડો સ્ત્રીઓ કરતા પુરુષોના નામે વધુ બોલે છે. કેમ કે જયારે આંસુ આપણીઆંખોમાંથી નથી નીકળી શકતા ને ત્યારે તે આપણા મન પર જમા થતા હોય છે અને એક અદ્રશ્ય બોજ બનીને રહી જતા હોય છે. ભલે જાહેરમા રડી શકવાની હિંમત ન હોય પણ એક વ્યકિત તો દરેકના જીવનમાં એવી હોતી જ હશે અને હોવી જ જોઇએ કે જેની સામે મન ખોલીને રડી શકાય, જેનો ખભો આંસુથી પલાળી શકાય. કેમ કે અરીસો માત્ર આંખોમાંથી વહેતા આંસુને જોઇ શકે છે, તેને લૂછી નથી શકતો !હા, ઘણીવખત એવી પરિસ્થિતિપણ આવતી હોય છે, જીવનમાં કે જયારે આંખોમાંથી વહેતા આંસુને પરાણે રોકવા પડતા હોય છે, કારણ કે આપણે આપણા દુ:ખથી આપણા પોતાની વ્યકિતઓને દુ:ખી કરવા નથીમાગતા હોતા, પણઆપણે ત્યારે એ વાત ભૂલી જતા હોઇએ છીએ કે દુ:ખ વહેંચવાથી ઘટે છે. જયારે આંખ રડતી બંધ થાય ને ત્યારે મનનું રડવું થઇ જતું હોયછે. જે ભાગ્યે જ કોઇને દેખાતું હોય છે અને જો તમારી જિંદગીમાં એવા લોકો છે જેમને તમારું મનનું રડવું પણ સંભળાઇ જતું હોય તો તમે નસીબદાર છો. નસીબદાર હોવાનો લાભ લઇને મનને હળવું કરવું જ જોઇએ.
અહીં મેં લખેલી બે લાઇન યાદ આવે છે.
મનના ઊંડાણમાં દબાયેલી લાગણીઓ હંમેશા દરિયાની જેમ તોફાનો સર્જતી હોય છે, લાગણીઓ તો નદીની જેમ વહેતી રહેવી જોઇએ. – જાનકી