



(- પૂર્તિ ત્રિવેદી-રાજકોટ, મો. 98253 87127)
અચૂક જોવા જેવું અત્યારનું હેલારો પિકચર જે નારીની એક જ સરખું જીવન જીવતી, સમાજના બંધનો થી જકડાયેલ અને ઘરના કામ નીચે તેમની દબાયેલ ઇચ્છાને બહાર કાઢવા માટેનો એક પ્રયત્ન, બનાવનારને દાદ દેવી પડે તેવું છે. સ્ત્રીને કોઇ અધિકાર નથી, તેને તો ઘરના રોટલા કરવાનાં અને ઘરનું કામ, બંધનો એટલા કે કચ્છના ભૂંગામાંથી બહાર નીકળી ખાલી પાણી ભરવા જઇ શકે, અભણ માણસનું ગામ, દ્રઢ પરંપરા અને તેની પાર વિચારી તો માતાજી રૂઠી જાય, તેમાં એક ઢોલના તાલે ખુશી મેળવવાની મહેચ્છા અને મરવાની બીકે જીવવાનું નહીં છોડીયે જેવા આશા રૂપી શબ્દો, નારીના જીવનમાં એક ખુશી, એક શોખ અને તેને મેળવવા માટેની ઇચ્છાનો સમન્વય એટલે હેલારો..
વાત છે તેવી હજારો નારીની જેને પોતાની દુનિયા માત્ર પોતાના ઘરના કામ પાછળ નાખી દીધી છે અને કયારેક પોતાની ઇચ્છા, શોખ અને મહત્વાકાંક્ષા ને પૂરો કરવાનો સમય નથી મળ્યો કે સમાજ ની પરંપરા એ તેની ઇચ્છાની પરવાનગી નથી આપી અને પોતાની ઇચ્છા કે શોખ ને ત્યજીને તેને પોતાના ઘરની જિંદગીને પ્રથમ પ્રાધાન્ય આપ્યુંછે. પણ સમય જતાં કયારેક તેમાં ઉમંગ રૂપી ઓક્સિજન ની ઊણપ જોવા મળે છે. એ અત્યારના બદલાયેલ યુગમાં નવી પેઢી સાથે તાલમેલ બેસાડવો અઘરો પડી જાય છે. તેના માટે શું કરવું ? કયાંથી રસ્તો શોધવો ? ઘૂંટાતી જતી જિંદગીને નવા વળાંક પર કેવી રીતે લઇ જવી ? સ્વપ્નની દુનિયામાં પોતાના સ્વપ્નને સિદ્ધ કરવું શકય
છે ? શું હજી પણ દુનિયાના તાલ સાથે તાલ મળાવીને પોતાની જાતને સિદ્ધ કરવાની તક છે ? પ્રશ્ર્ન થાય છે ને ?
શકયતા તો ઘણી બધી છે, પણ કહેવત છે ને મન હોય તો માળવે જવાય,પોતાન બીબાઢાળ જિંદગી માં કંઇક અલગ વિચારવું અને તેને અમલમાં લાવવું તે જ પોતાની ઇચ્છાપૂર્તિ ના રસ્તા સુધી લઇ જઇ શકે. નવી વિચારધારા નો સંચાર કરવો અને તેમાં બીજ રૂપી આશાવાદ નો ઉમેરો કરવો જેથી જીવન ને કંઇક નવી દિશા મળે અને જીવતેજીવ જાનવર ની જેમ ખીલે બંધાયેલી જિંદગીમાંથી થોડો આનંદ મળે. સમય સંજોગ ને સ્વીકારી ને તેમાં સમર્પિત થઇ જવું તેના કરતા જીવનને થોડું જીવવા લાયક બનાવવું. પોતાના શોખ, અને આનંદ વિશે વિચારીને તે દિશામાં થોડું કામ કરવું તે કાંઇ ખોટું નથી. તેના માટે તેને પોતે પણ પ્રયત્ન કરવા પડશે. સહજ સ્વીકારેલ જીવનમાં નવા શોખનો ઉમેરો કરવો પડશે. નવા જન્મેલા બાળક થી લઇને મોટા થતા બાળક, ઘરના દરેક સભ્ય વિશે નાની વાતનું ધ્યાન રાખતી નારી પોતાની જાતનું આવે ત્યારે કેમ સમર્પણ ભાવ પર આવી જાય છે. સાથે સાથે તે જવાબદારી નાના થી લઇને મોટા ઘરના બધા સભ્યોની છે કે બીબાઢાળ જિંદગીમાંથી ઘરની અન્નપૂર્ણાને તેની જિંદગી માં કોઇ શોખ હોય, ઇચ્છા હોય અને જેમાં મજા આવતી હોય તે કરવા માટે પ્રોત્સાહિત કરે.
તો ચાલો ઘરની લક્ષ્મી, સરસ્વતી અને અન્નપૂર્ણા ના કોઇક અધૂરા શોખ રહી ગયા હોય, ઘણીવાર તો મને ગમે છે કે તેમની પાસે પડેલી આવડતા નો અણસાર નથી હોતો તેને બહાર લાવવામાં મદદ કરીએ તેમના સર્જનાત્મક શકિતને એક માર્ગદર્શન કે તક આપીને બહાર લાવીએ. જીવનમાં કંઇક મેળવવાની ઇચ્છા હોય તો તેમની ખામોશી ને આશારૂપી પાંખ આપીએ અને તેમના થકી ઘર, પરિવાર અને સમાજને સમૃદ્ધ બનાવીયે. માન્યતા કે મર્યાદાના વિચારમાંથી નિકળીને ખુશી આપતી દરેક પળ ને ઉજવીયે.
એક ડોકટર પાસેથી જાણવા મળેલ સુંદર શબ્દો છે.
આ ઉંમર તો આવી પહોંચી,
કેટલાક કામો કરવાનાં બાકી છે
આ કેશ થયાં સૌ ચાંદીના,
મનને સોનાનું કરવું બાકી છે
જરાં મહેકી લવ હું પૃથ્વીથી,
થોડા તારા ગણવાના બાકી છે
આ વૃક્ષોને પાણી દઇ દવ,
પેલા પંખીને ચણ બાકી છે
ગીતો મસ્તીના ખુબ ગાયા.
થોડી પ્રાર્થનાઓ હજી બાકી છે
મારાં સહુ ને મેં ખુબ ચાહયા.
જગને ચાહવાનું બાકી છે.
બસ બહુ જાણ્યા જીવે સહુને,
ખુદને ઓળખવાનું હજી બાકી છે
કહે છે ખાલી હાથે જવાનું છે,
બસ ખાલી થવાનું બાકી છે.